પૃષ્ઠ:Mabapone.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોને
 


જીવન છે. અને હોવું જોઈએ. પરંતુ તે જીવનનું કેન્દ્ર બાળક છે, તે જીવનનું કાવ્ય બાળક છે, તે જીવનનાં સુગંધ અને સૌન્દર્ય બાળક છે, તે જીવનનું સુખ બાળક છે. તેની આસપાસ પોતાના જીવનના લહાવા તેમણે ગોઠવવાના છે. બાળક સાથે ગૂંથાયેલું પ્રેમજીવન પ્રેમનું ઘન સ્વરૂપ છે, શુદ્ધ અને સાત્ત્વિક સ્વરૂપ છે. કારણ કે એમાં ત્યાગનું સુખ છે.

પણ આ જીવન માટે તૈયારી જોઈશે; અને તે તૈયારી સ્ત્રી યા પુરુષે કરી લેવી જોઈશે. લગ્નસંસ્થાના સભ્યો થનારે તેની અવગણના કરાશે નહિ. ઉપરથી અવગણના કરી આખરે લગ્નજીવનમાં પડનારાંઓ ભૂલની સાથે પાપ પણ કરશે. બાળકો વિનાનાં રહેવાના કોડ રાખી ગૃહસ્થાશ્રમને કૃત્રિમ રીતે ચલાવનારાં આખરે બાળકોને ઝંખશે, અને કૃત્રિમતાના પ્રાયશ્ચિત્ત રૂપે જ્યારે વંધ્યત્વ મળશે ત્યારે પોતાને જ શાપ દેશે.

આ સ્થિતિ આવે તે પહેલાં જ હરેક યુવક-યુવતીઓ જેમ શરીરશાસ્ત્રનો, ઇતિહાસ અને ભૂગોળનો, રાંધણકળા અને આભૂષણકળાનો પરિચય કરી લે છે, તેમ જ બાળઉછેર અને શિક્ષણશાસ્ત્રનો પરિચય તે કરી લે.

ઘણાં એમાં શરમાય છે; પણ એ ખોટી શરમ છે. આગળ કોઈ માંદું પડશે એમ ધારી નર્સનું કામ શીખવામાં શરમ નથી. આગળ કામ આવનારી કોઈ વિદ્યા શીખવામાં શરમ ન જોઈએ, તેમ આ બાળઉછેરની વિદ્યા શીખી લેવામાં શરમ ન જોઈએ.

ત્યારે હવે કોઈ પણ યુવક કે યુવતી માતપિતા થવા માટે શી તૈયારી કરશે ? શું શું વાંચશે ? ઘર કેવું તૈયાર કરશે ? પોતે અને પોતાનું શરીર તથા મન કેવાં તૈયાર કરશે ? અને છેવટે પોતાનું આખું વાતાવરણ કેવું બનાવી લેશે ?

એક મહેમાન આવે છે ત્યારે આપણે થોડીએક હંગામી તૈયારી કરી લઈએ છીએ. એ તૈયારી તત્કાલ પૂરતી જ હોય છે.