પૃષ્ઠ:Mabapone.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકનું ઘરમાં સ્થાન ક્યું ?
૨૯
 


પણ ક્યાં એણે ગાવું ?

ક્યાં એણે વાતો કરવી ?

ક્યાં એણે રમવું ?

ક્યાં એણે ખેલવું કૂદવું ?

રસોડામાં માને ગડબડ થાય; બધી ગોઠવણ ઊંધી વળે; રસોડું બગડી જાય ! વળી માતા પાઠપૂજા કરતી હોય તો તો તેમાં ભંગ જ પડે ના ?

ત્યારે દીવાનખાનામાં તો પિતાજી છાપું વાંચતા હોય; કાં તો અસીલ માટે કેસ તૈયાર કરતા હોય; કાં તો દરદીને તપાસતા હોય; કાં તો ગામમાં ભાષણ આપવાની નોંધ કરતા હોય. ત્યાં ગડબડ કરવાની રજા ક્યાંથી મળે ?

પણે ઓશરીમાં મોટાભાઈ ને મોટીબેન પાઠ કરતાં હોય ત્યાં પણ ન જવાય, ન રમાય ને ન ગવાય !

એ તો જ્યાં ગયાં ત્યાંથી પાછાં.

કદાચ એકાદ એકાંત ખૂણો મળી ગયો તો બાળકે કલ્પનાથી ઢીંગલી ઢીંગલા રમવું, ખોટું ખોટું ખાવું ને ખોટું ખોટું વાવું.

આમ કાંઈ કલ્પનાશક્તિ ન ખીલે.

કેળવણીશાસ્ત્રીઓનો આ ભ્રમ છે.

આપણે માટે ને આપણા મહેમાનો માટે ટેબલ હોય, ખુરશી હોય, ચટાઈ હોય, જાજમ હોય, વગેરે વગેરે હોય. બાળક માટે ખાસ કરીને રાખેલો કોથળો પણ હોય છે ખરો ?

એની પાસે એનો ભાઈબંધ બેસવા આવે તો એને ક્યાં બેસારવો ?

પણ આપણે ક્યાં જાણવાનોયે પ્રયત્ન કરીએ છીએ કે નાનાં બાળકોને દોસ્તો હોય છે ?