પૃષ્ઠ:Mabapone.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોને
૩૬
 

 ચિત્રો કાપી કાઢે. ચિત્રોમાં બોર્ડરો, જાતજાતના અક્ષરો વગેરે પણ આવી શકે. આ બધાને ભેગાં કરી બાળક એક સંગ્રહ કરે. દર મહિને એવો સંગ્રહ બાંધી આપીએ એટલે બાળકનું ચિત્રસંગ્રહાલય બને. આ પ્રવૃત્તિ માટે બાળકને કાતર, ગુંદરની એક વાટકી, દાતણની અગર કોઈ બીજી પીંછી, કાગળો અને ચોપાનિયાં આપવાં. આ બધાં સાથે કચરો નાખવાની એક ટોપલી અને હાથ લૂછવા એક લૂગડાનો ટુકડો અવશ્ય આપીએ.

: ૨ :
દીવાસળીનાં બાકસો : ખાલી અને ભરેલાં

બાળકો બન્ને જાતનાં બાકસોથી કામ કરે છે. નાનું બાળક ભરેલા બાકસની દીવાસળીઓ બહાર કાઢી તે ભર્યા કરશે; પાછું તે ઠાલવીને ફરી ભરશે. એની આ રમત ઘણો વખત ચાલશે. નાના બાળકને આ રમત સુંદર કેળવણી આપે છે; આંખને સ્થિર કરે છે, હાથ કાબુમાં આવે છે ને એકાગ્રતા કસાય છે.

ખાલી બાક્સોની પ્રવૃત્તિઓમાં બાકસ ઉઘાડવું અને બંધ કરવું એ એક પ્રવૃત્તિ છે. આંખ અને હાથના સ્નાયુઓને તે વ્યાયામ આપે છે.

વળી બાક્સોના બંગલા બાંધી શકાય છે, બંગલા એટલે જાતજાતની ગોઠવણી; જેવી કે દીવાલ, ચોતરો, કૂવો, તળાવ, રેલગાડી વગેરે. દીવાલો કેટલાયે પ્રકારની બની શકે છે. ઘરમાંથી બાકસો મળી શકે છે, અગર તે સહેલાઈથી મેળવી શકાશે. એક નાની એવી બાકસો મૂકવાની પેટી અને બેસીને બંગલા કરવા માટે એકાદ આસન બાળકને આપો; પછી તમે તેનાથી તેને કામ કરતું જ જોશો.