પૃષ્ઠ:Mabapone.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
માબાપોને
 


ખાતરપાણીના અને દિશાસૂચનના પ્રયત્નો કરી છૂટીએ. બાળકની અંદરથી જે નીકળે છે તે જોઈ અમે પ્રસન્ન રહીએ છીએ. પણ માબાપોની આ વૃત્તિ નથી. હોશિયાર છોકરાંનાં માબાપો લાભ દેખી, પોતાનું છોકરું વધારે શીખી ગયું, જલદી શીખી ગયું, વખત બચ્યો, શ્રમ બચ્યો વગેરે સમજી, આગળ જલદી ભણાવી ગણાવી હોશિયાર બનાવી દેવા, અને એવી હોશિયારીને બળે ઇનામ લેતું કરી દેવા બીજી નિશાળે મોકલે છે, અને અમારી ઊજળી આશા પર શાહી ઢોળે છે. આ મંદિરે બાળકને સારું બનાવ્યું માટે ગુન્હો, એવો કંઈક હોશિયાર બાળકોનાં માબાપો તરફથી ઉપદેશ મળે છે. જે બાળકો પાછળ રહે છે તેમનાં માબાપોને તો બાળકને લેવાનું કારણ ઉઘાડું જ છે. પણ તેઓ જાણતાં નથી કે તેમનું બાળક શીખતું તો હતું જ; માત્ર તેની ગતિ ધીમી હતી. એમ બતાવી શકીએ તેમ છે કે જે બાળકો અહીં વધતાં નથી એમ ધારીને ઉઠાડી લેવામાં આવે છે, તે બહાર જઈને બહુ આગળ વધ્યાં નથી. તેઓનું સ્વાતંત્ર્ય ગયું પણ તેના બદલામાં બીજી કોઈ નિશાળે તેમને આગળ વધવાની શક્તિ ન આપી. ઘણી વાર જ્યારે બરાબર પાક આવે, ને બાળકને પાછળ રહ્યું છે તેવા કારણે તેને ઉઠાડી લેવામાં આવે ત્યારે અમને દુઃખ થાય છે. એવા બાળકને બીજી નિશાળમાં ગોઠવાઈ જવું શરૂઆતમાં આકરું પડશે એ વિચાર અમને પીડે છે; છતાં સાથે સાથે એટલો પણ સંતોષ થાય છે કે ભલા જેટલો વખત તે અહીં રહેતું તેટલો વખત તો વિકાસને માર્ગે રહેતું અને સુખી પણ રહેતું.

આ જે બાળકો એક જ બાબતમાં વધે છે અને બીજી બાબતમાં વધવાની ના પાડે છે તેમનાં માબાપોને સંતોષ આપવો જરા મુશ્કેલ પડે છે. પણ જો માબાપો અમારી સાથે રહેતાં હોય તો