પૃષ્ઠ:Mabapone.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાઓને
૮૭
 


તેમને માન આપીએ છીએ, તેમને વિનય બતાવીએ છીએ. પણ બાળકો, જે દેવને ઘેરથી આપણે ત્યાં મહેમાન થઈને આવ્યાં છે તેમને હડધૂત કરીએ, તેમને વિનય કે પ્રેમથી બોલાવીએ નહિ, અને નજીવી વાતમાં તેમનું અપમાન કરીએ, એ કેટલું બધું ખોટું છે ? માટે તેમના તરફ સંપૂર્ણ પ્રેમ, વિનય અને આદરથી વર્તવું જોઈએ, તથા તેઓ નાનાં છે છતાં તેમને નાનાં ગણી કાઢવાં ન જોઈએ.

વળી બહેનો ! બીજી પણ એક વાત ધ્યાનમાં રાખો. આપણે અમુક એક જાતનું વર્તન રાખીએ અને બાળક તેથી બીજી જાતનું વર્તન રાખે એવું કદી બનવાનું નથી; તેઓ બધી વાતમાં આપણું જ ઝીણી નજરે અવલોકન કરે છે અને આપણું જ અનુકરણ કરે છે. જો આપણે આપણા વિચારો અને વિકારોને તાબામાં રાખશું તો બાળક પણ તેમ કરતાં શીખશે; અને જેવું આપણે બોલશું, જેવું આપણે કરશું, તેવું જ બાળક પણ બોલશે ને કરશે. જે સ્ત્રીઓ નોકરચાકર મારફત ઘરનું કામકાજ લેતાં હશે તેમનાં છોકરાં પરાધીન ગુલામ બનશે; માટે બાળકોને જાતે કામ કરતું બનાવવા ખાતર આપણે પણ જાતે કામ કરવું જોઈએ; અને તેમની ખાતર આપણે આપણું વર્તન, વાણી અને કામ સારાં રાખવા જોઈએ.

બાળકોને શેરીમાં હલકી સોબતમાં છૂટાં રખડવા દેવાં ન જોઈએ. શેરીનાં છોકરાંની હલકી રમતોમાંથી અને હલકા વાતાવરણમાંથી તેમને બચાવીને તેમને સારુ ઘરમાં સારાં સાધનો લાવી આપો. તેમને ઘરમાં આનંદ થાય એવાં જોઈતાં સાધનોની યાદી કરી આપશે. બાળક જે કરે તેમાં કોઈ જાતની તેને ઈજા ન થાય, અને કાંઈ અનીતિવાળું ન હોય તેવું બધું કરવા દેવું.

અમારી આ બાળશાળાનું ભણતર જરા નવીન જાતનું છે.