પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એટલે એ બચ્ચાંએ અમારા બધાના ઓટલા બગાડવા માંડ્યા. કોઈ એને મારે તો દુર્ગાબહેન કહેતાં, હું બધાના ઓટલા ધોઈશ પણ કોઈ એ કુરકુરિયાંને મારશો નહીં. એક દિવસે કાકાસાહેબે મહાદેવભાઈને કહ્યું કે આ બધાં બચ્ચાં કાંઈ જીવવાનાં તો નથી જ, આપણને બધાંને હેરાન કરશે અને એ પણ દુઃખી થશે. માટે તમારે એકાદ પાળવું હોય તો પાળો. બીજાંને તમારો વાંધો ન હોય તે હું મારી નાખું. દુર્ગાબહેન આ વાત સાંભળતાં હતાં. એમણે કાકાસાહેબને કાંઈ કહ્યું તો નહીં પણ આંખમાં આંસુ સાથે બારણામાં ઊભાં રહ્યાં. કાકાસાહેબ એ જોઈ ગયા એટલે ચૂપચાપ ચાલ્યા ગયા અને કુરકુરિયાંને મારવાની વાત ફરી કદી કાઢી જ નહીં.

સામાન્ય રીતે એવું મનાય છે કે, સારવાર કરનારની દરદી ઉપર બહુ મમતા બંધાઈ જાય છે, પણ દરદી તો ઘરનાં બધાં માણસ ઉપર અને સારવાર કરનાર ઉપર જહાંગીરી જ ચલાવે છે. પણ મહાદેવ એ નિયમમાં અપવાદ હતા. દરદી તરીકે પણ તેઓ કેટલા મીઠા અને આનંદી રહી શકતા એનો અનુભવ ૧૯૨૦માં તેઓ છ અઠવાડિયાં ટાઇફૉઈડની બીમારીમાં રહ્યા તે વખતે મને થયેલો. પોતાને ગમે તેટલું કષ્ટ થતું હોય પણ એ કષ્ટમાંયે પોતાનો વિનોદ તેઓ ખોઈ બેસતા નહી અને આસપાસનાં બધાંને હમેશાં હસાવતા જ રહેતા. એક દિવસ વૈકુંઠભાઈ જોવા આવેલા તેમને કહે, “મોટા બાદશાહ કરતાં પણ મારી સારવાર ભારે થઈ રહી છે. કાકાસાહેબ બે વખત આવીને શરીર દાબી જાય છે, બરફના છૂંદાની પોટલી કરી

૯૦