પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નહોતો. ‘નવજીવન’નાં મારા ધૂળ જેવાં લખાણો એમના જેટલી મમતાથી વાંચનારું હવે કેાઈ રહ્યું નથી. ‘મહાદેવ’ની સહીવાળું લખાણ એટલે એમને માટે જાણે કોઈ ચમત્કારિક વસ્તુ. એમની પરમ ઇચ્છા એટલી જ હતી કે હું એમની સાથે લાંબો વખત રહું. એ ઈચ્છા મેં કદી નહીં પૂરી કરી. એક દિવસ પણ મારી સેવા એમણે લીધી નથી. આખી જિંદગીમાં મારી માતા મરી ગઈ ત્યારથી મારી માતા અને પિતા બંને એ જ થયેલા. પિતાનો પ્રેમ કેટલો હોઈ શકે છે તેનું માપ મને એમના પ્રેમથી જ મળેલું. આજે તો એઓ ૬૨ વર્ષના હતા, પણ ૮૨ વર્ષના હોત તોયે મારી આંખમાંથી આજે જેટલાં નીકળે છે તેટલાં જ કૃતજ્ઞતાનાં આંસુ નીકળત.

‘નવજીવન’નો વધારો ગુરુવારે ન હોત, અને એમનો ડૉક્ટરની સાથે ન આવવાનો અને ચાપડીઓ મંગાવવાને કાગળ ન હોત, તો હું રવિવારે જરૂર મળી જાત. મને એમ થયા જ કરે છે કે ‘દેશસેવા’ના વિચિત્ર ખ્યાલને લીધે એમના આખરના કાળમાં એમની સાથે રહી એમની આંતરડી ઠારવી જોઈએ, તે મારાથી ન થયું. આ પશ્ચાત્તાપ એક કાયમનો જખ્મ મારી જિંદગીમાં રહી જશે.

તમે મારી પાસે હોત તો તમને મોટાભાઈ *[૧] માની તમારા ખોળામાં માથું મૂકી રોઈ મારો ભાર હલકો કરત. પણ હવે કાંઈ નહીં. તમારે એ કારણે ત્યાંથી આવવાની કશી જ જરૂર નથી. વરસાદ તો આ બાજુએ હજી નથી


  1. * હું મહાદેવ કરતાં ઉંમરમાં ત્રણ જ મહિને મોટો હતો.
૯૮