પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




અભ્યાસપરાયણતા

એ કહેવાની જરૂર નથી કે કૉલેજમાં પોતાના પ્રોફેસરોમાં અને હોશિયાર સહાધ્યાયીઓમાં તેઓ બહુ પ્રિય થઈ પડેલા હતા. એમના સહાધ્યાયીઓમાં એમનો વિશેષ સંબંધ શ્રી વૈકુંઠભાઈ ઉપરાંત ‘બોમ્બે ક્રોનિકલ’વાળા શ્રી બ્રેલવી અને તેમાં કળાવિવેચનની કતારો લખનાર શ્રી કે. એચ. વકીલ સાથે હતો. એ સંબંધ જિંદગી પર્યંત રહ્યો.

તેઓ જ્યુનિયર બી. એ.ના ક્લાસમાં હતા ત્યારે કૉલેજ મૅગેઝિન માટે અંગ્રેજીમાં એક કાવ્ય લખ્યું હતું. તે ઉપરથી અંગ્રેજીના પ્રોફેસરે તેમને બોલાવીને કહેલું કે તમારું કાવ્ય સારું છે પણ તમને અંગ્રેજીમાં કે બીજી ભાષામાં આ ઉંમરે કાવ્યો ન લખવાની મારી સલાહ છે. ખૂખ વાંચો, મોટા મોટા કવિઓનાં ઉત્તમ કાવ્યોનું પરિશીલન કરો અને પછી લખવાની ઊર્મિ થઈ આવે તો લખજો. એ સલાહ એમણે તરત જ માની લીધી. પરિસ્થિતિનું ચોક્કસ નિરીક્ષણ અને ઊંડો અભ્યાસ કર્યા વિના આપણા જુવાનિયાઓ વૃત્તવિવેચન અથવા પત્રકારિત્વમાં પડે છે તે વિષે તો મહાદેવભાઈ ઘણી વાર પોતાનું દુઃખ પ્રગટ કરતા. અભ્યાસ વિના લખવા જતાં પ્રામાણિકતા જળવાતી નથી અને વિચારો સ્થિર અને પરિપક્વ થયા પહેલાં લખવા

૩૮