પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છોટુભાઈની સાથે મહાદેવ ભગતજીને મળવા એમને ઘેર ગોધરા ગયેલા. તેનું વર્ણન છોટુભાઈ આ પ્રમાણે આપે છે : “રાતે દસ વાગ્યે સ્ટેશને ઊતર્યા. ભગતજી સામા મળ્યા. મહાદેવ કહે : ‘બાપજી તો સામા મળી ગયા.’ અમને ઘેર લઈ ગયા અને ભગતજી કહે ‘સંત આવ્યા.’ બીજે દિવસે તળાવે નાહ્યા પછી ધોતિયાં પણ જક કરીને ભગતજીએ ધોયાં એટલું જ નહીં પણ ઘેર પાછા જતાં ઊંચકવા પણ ન દીધાં. કહે : ‘સંતની સેવા કરવાનો લાભ કાંઈ ઘડી ઘડી મળે છે ?’ પછી ભજન ચાલ્યાં. ભજન થઈ રહ્યા પછી મહાદેવ કહે: ‘મારો તો ઓશિયાળો અવતાર છે. ભણ્યો તે પણ લોકોને પૈસે. લોકો પરમાર્થ કરે છે, અને હું તેનો લાભ ઉઠાવું છું.’ ભગતજી કહે : ‘એનો સંતાપ કરવાનો હોય નહીં. નાટક જોવા જાઓ છો ને ? કોઈ રાજા થઈને આવે છે, કોઈ સિપાઈ થઈને આવે છે. પણ તેમને પોતાનો પાઠ જ ભજવવાનો હોય છે. રાજા પણ જાણે કે હું તો નટ છું. ભૂલ પડી ને પાછળ પડી ગયા તો મૅનેજરના કોરડા પડે છે. તેમ આપણને દુનિયામાં પ્રભુએ પાઠ ભજવવા મોકલ્યા છે. જે પાઠ એણે આપ્યો હોય તે બરાબર ભજવવો જોઈએ. બીજો ત્રીજો વિચાર કરવાનો ન હોય. ગમે તેવી જગ્યા ઉપર હોઈએ તો પણ એમ જ માનવું કે આપણને નાટક ભજવવા જ મોકલ્યા છે. ધણી તો પ્રભુ છે. તેણે સોંપ્યું છે તે આપણે કરવાનું છે. માટે આવા વિચાર ન કરવા.’ ભગતજીએ આગ્રહ કરીને એક દિવસ વધારે રોક્યા. જતી વખતે સ્ટેશને

૪૩