પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છોટુભાઈએ પોતાના સ્વભાવ પ્રમાણે આશ્વાસન આપ્યું : “ગુજરાતી નિશાળના પોરિયાની પેઠે રડવા શું બેઠો છે ? શરમ નથી આવતી, લોકો જોશે તો શું કહેશે ? વળી બીજી પરીક્ષા. ઘેરથી પૈસા તો મંગાવવા પડતાં નથી. કોણ બોલવાનું છે ?” પણ વહેલા ઊઠી આવવાનું અને રડવાનું કારણ જુદું જ હતું. દુર્ગાબહેન તે વખતે મુંબઈમાં ન ન હતાં. મહાદેવ પોતાની ઓરડીમાં મોડી રાત સુધી સૂતા સૂતા વાંચતા હતા. ચાલીમાં રહેતી એક બહેન, જે એમના પર મોહિત થયેલી હશે તે આ એકાંત જોઈ એમની ઓરડીમાં આવી અને એકદમ એમની પથારીમાં સૂતી. તેણે મહાદેવ ઉપર રીતસર આક્મણ જ કરવા માંડ્યું એમ કહેવાય. મહાદેવ તો ગભરાઈ ગયા અને ઠંડાગાર થઈ ગયા. દુર્ગાબહેન પ્રત્યેની વફાદારી અને પાપભીરુ પ્રકૃતિને લીધે મહાદેવને માટે આવો વ્યવહાર શારીરિક રીતે જ અશક્ય હતો. થોડી વારે સ્વસ્થ થયા પછી પેલી બહેનને સમજાવી, તેના ધર્મનું ભાન કરાવ્યું અને ઝટપટ ચાલી જવા કહ્યું. પણ પછી મહાદેવને આખી રાત ઊંઘ ન આવી. બીજ દિવસે પણ ખૂબ અસ્વસ્થ રહ્યા અને પરીક્ષાના મંડપમાં તે બધું ચકરચકર ફરતું જ લાગ્યું એટલે કાંઈ લખ્યા વિના ઊઠી આવ્યા. આ વાત દુર્ગાબહેન સિવાય બીજા કોઈ ને એમણે નહીં કરેલી. બીજે વરસે એલએલ. બી.ની પરીક્ષા વખતે અમે સાથે રહેતા ત્યારે એક વાર સૂતા સૂતા અમે અમારા આ પ્રકારના અનુભવની વાત કરતા હતા ત્યારે મને આ વાત કહેલી.

૫૦