પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દોઢ કલાક સુધી પોતાના આદર્શો અને વિચારસરણી સમજાવી. અમે વચમાં ક્યાંક ક્યાંક દલીલ કરતા પણ અમારે વિશેષે તો સાંભળવાનું જ હતું. આ દોઢ કલાકની વાગ્ધારાની અમારા બંનેના ચિત્ત ઉપર ઊંડી છાપ પડી. લગભગ દસેક વાગ્યાને સુમારે અમે આશ્રમમાંથી નીકળ્યા, મેઘલી રાત હતી. ઝરમર ઝરમર છાંટા પડતા હતા. અમે બંને એક બીજા સાથે કશું બોલ્યા વગર ચાલતા હતા. જોકે અમારા બંનેના દિલમાં વિચાર તો એક જ ચાલી રહ્યો હતો. એલિસબ્રિજ પર આવતાં મહાદેવ બોલ્યા, “નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.” મેં જવાબ આપ્યો, “એમ કરી શકીએ તો આપણાં ધન્યભાગ્ય, પણ અત્યારે તો કશે નિર્ણય થઈ શકતો નથી."પાછા અમે શાંત થઈ ગયા અને કહ્યું બાલ્યા વિના જ પોતપોતાને ઘેર પહોંચ્યા. આ અમારી પહેલી દીક્ષા, આશ્રમમાં જોડાવાના સંકલ્પનો પ્રથમ ઉદય.

સને ૧૯૧૬માં લૉર્ડ મોરલેના ‘ઑન કૉમ્પ્રોમાઈઝ’નો અનુવાદ મહાદેવે લગભગ પૂરો કરી નાખ્યો હતો. તે છપાવતાં પહેલાં લૉર્ડ મોરલેની પરવાનગી મેળવવી જોઈએ. પરવાનગી મેળવવાના કાગળનો મુસદ્દો મહાદેવે તૈયાર કર્યો અને મને કહે કે, “લૉર્ડ મોરલે જેવાને કાગળ લખવાને, માટે આપણે ઇંગ્લંડની રીતભાત અને શિષ્ટાચારના જાણકાર એવા કોઈ તાજા ઇંગ્લંડ જઈ આવેલાને આ કાગળ બતાવીએ તો ઠીક.” મેં કહ્યું, “બીજા કોઈને બતાવવા કરતાં ગાંધી સાહેબ ( અમે તે વખતે એમને ગાંધી સાહેબ કહેતા )ની પાસે જ શું કામ ન જઈએ?” અમે તો

૭૦