પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપી. બાપુજીને લાગ્યું કે આની સામે દેશવ્યાપી આંદોલન કરવું જોઈએ અને જરૂર પડે તો સત્યાગ્રહની લડત માટે આ યોગ્ય મુદ્દો હોઈ લડત આપવી જોઈએ. નેતાઓની સાથે મસલતમાં તેમણે જણાવ્યું કે ‘તુરત બંધ કરવો’ એ શબ્દનો પણ આપણે એક અર્થ કરીએ અને સરકાર જુદો જ અર્થ કરે, તેથી આપણો ઠરાવ ‘૧૯૧૭ના જુલાઈની ૩૦મી પહેલાં પ્રથા બંધ થવી જોઈએ’ એવો હોવો જોઈએ. આ આંદોલનને અંગે બાપુજીને વાઈસરૉય સાથે તથા નેતાઓ સાથે વાતો થતી તેમાંથી જાહેર કરવા જેવી વાતો તેઓ આશ્રમની પ્રાર્થના પછી કરતા. જ્યારે બાપુજી અમદાવાદમાં હોય ત્યારે પંડ્યાજી અચૂક આશ્રમમાં જતા અને હું પણ ઘણી વાર તેમની સાથે જતો. આશ્રમમાં મળવા આવનારને બાપુજી એ પણ પૂછતા કે સત્યાગ્રહ થાય તો જેલમાં જવા તૈયાર છો ને ? પંડ્યાજીએ અને મેં હા કહેલી. મહાદેવ તે વખતે બૅંકના ઈન્સ્પેક્ટરની નોકરીમાં જ હતા. આશ્રમમાં થતી બાપુજીની બધી વાતોના લાંબા લાંબા કાગળો હું મહાદેવને લખતો અને મુંબઈના અમારા મિત્રમંડળમાં તે રસથી વંચાતા. કહેવાની જરૂર નથી કે દેશવ્યાપી આંદોલન અને બાપુજીના દૃઢ વલણને પરિણામે વાઈસરૉયે ગિરમીટ પ્રથા ૩૦મી જુલાઈ પહેલાં નાબૂદ કરવાનું જાહેર કર્યું.

૭૪