પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનિશ્ચિતતાઓ સામા ઉપર જેટલી અસર પાડવી જોઈએ તેના કરતાં એછી પાડે છે. જુએને અહીં આવ્યા ત્યારે કેટલીક બાબતમાં એમને સંપૂર્ણ આત્મશ્રદ્ધા જ નહી; અમુક કામ તો મારાથી નહીં થાય, અમુક કરતાં તો હાંફ ચઢશે. ૯૬ રતલ વજન લઈને આવેલા અને ભારે અશક્તિ અનુભવે. મેં એમને કામ કરતા કરી મૂક્યા, ચાલતા કરી મૂક્યા, ખાતા કરી મૂકયા અને કાંઈ નહી તો વીસેક રતલ વજન વધાર્યું. મને લાગે છે કે એમના સાથીઓએ પણ એમને અપંગ કરી મૂકેલા. એ અપંગપણું અહી નીકળી ગયું. એક દિવસ ડોઈલના કાકાને વિષેના પક્ષપાતને વિષે કહે : “ ડોઈલને કાકાને વિષે ભારે પક્ષપાત હોય એમાં આશ્ચર્ય નથી. ડોઈલે તો કાકાને મુસલમાનોને માટે સત્યાગ્રહ કરતા જોયા. એ જ સત્યાગ્રહની મીમાંસા ડોઈલે એની પાસે સાંભળી હશે, અનેક ચર્ચાઓ કરી હશે, પછી ડોઈલ જેવો માણસ એમના ગુણો અને શક્તિથી આકર્ષાય તેમાં આશ્ચર્ય શું ? ”

એમાં આશ્ચર્ય નથી તો અહી એ પણ નોંધી શકાય કે કાકાની સાથેના સહવાસને બાપુએ આકાશદર્શનના પોતાના લેખમાં ' સત્સંગ ’ તરીકે વર્ણવ્યો છે, અને મને ઊડે ઊડે લાગ્યું છે કે એ સત્સંગને માટે બાપુ ઘણી વાર ઝંખે છે ! એ સત્સંગ તો મારી પાસે એમને શેનો મળે ? વલ્લભભાઈ પાસે પણ નથી મળતો, એવો મને ભય છે.

१६-४-'३२ સોમા રસોઈયાનું ઓળખાણ અપાઈ ગયું છે. મારુતિ વૉર્ડર જે બાપુની સેવામાં મૂકવામાં આવેલ છે તે જાડી બુદ્ધિનો અભણ, એની જ ભાષામાં ‘ અડાણી ગંવાર ' આજ સુધી મનાતો હતો. એને બાપડાને મોટા મોટા કામની સૂઝ પડે. ઝીણા કામની સૂઝ ન પડે. અને અમારા પેલા અમીર ઠાકરડા એને ઘણી વાર કહે : " કેવો અણધડ છે ! છીણી ઊલટી પકડે છે, તે હજી સૂલટી પકડતાં શીખતો જ નથી.”. આ જાડી બુદ્ધિનો અડાણી આજે મારી પાસે બપોરે આવ્યો અને એણે જે સંભાષણ કર્યું તેથી મારી આંખ ઊઘડી ગઈ અને અશ્રુભીની થઈ. મારુતિમાં કેટલી કુમાશ છે તે આજ સુધી મેં ન જાણી તે માટે મને ખેદ થયો. અસહકારીઓનો ભરાવો થવાને લીધે સરકારને જૂના ગુનેગારોને છોડવાની શરૂઆત કરવી પડી છે. લગભગ પાણી ચાર કેદીઓનો આમ છુટકારો થશે. મારુતિ મને ઘણી વાર પૂછે : " આમાં તો ઘણા બદમાશો સરકારે છોડવા માંડ્યા. એ શા સારુ હશે ? સરકારને એમની બદમાશી પોસાય તેમ છે. અમારા લોકોની સરકારને પોસાય

૧૦૧