પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમ નથી એટલે એને કહીને હું શાંત થાઉંં. આ નસીબદાર લોકોમાં મારુતિનો પણ વારો આવ્યો અને કાલે છૂટવાનો એમ જાણી એ મારી પાસે આવ્યો. મને ખબર આપી. મેં કહ્યું : “ મારુતિ અમને વીસરી તો નહીં જાય ના ? ” મારૂતિ ગળગળો થઈ ગયો. અને બોલ્યો : “ જન્મોજન્મનાં પુણ્ય કરેલાં હશે ત્યારે જેલ જેવી જગ્યામાં મહાત્માનાં દર્શન થયાં, તે કોણ વીસરે ? હું બહાર હોત તો કોઈ દિવસ એ દર્શન કરવા પામત જે નહીં. આને માટે હું શું કરું? મારો આભાર શી રીતે દાખવું ? હું તો ગરીબ માણસ છું, એક ખેતર છે, જેમતેમ ગુજારો કરીશ. પણ મને મહાત્માને ચરણે કાંઈ ધરવાનો લોભ છે. એને કશી વાતની વાણ નથી. મારે તો સરકાર અને લોકો એની આગળ ખડાં કરે તેમ છે. પણ મને ગરીબને એટલો લોભ છે કે મારે કાંઈક એમને મોકલવું. તમે મને સૂચના કરો કે શું મોકલું ? " મેં કહ્યું : “ ભલા માણસ, તારે મોકલવાનું કશું હોય જ નહીં. તે અહીં પ્રેમભરી સેવા કાંઈ ઓછી કરી છે ?” તરત મારુતિએ જવાબ આપ્યો: “ અરેરે ! તેને તમે સેવા કહો છો? મહાત્મા નહીં હોત તો બીજી કાંઈ કામગીરી કર્યા વિના અહી રોટલા કોણ આપવાનું હતું ? આ તો સરકારે આ કામ સોંપ્યું અને મેં કર્યું તેમાં મને યશ શેનો? યશ તો ત્યારે કે હું સ્વતંત્ર હોઉં અને મારી ઇચ્છાએ એમની સેવા કરવા પામું. હું સેવા કરવાને લાયક ક્યાં છું? કોણ એ ? કરોડો માણસ જેને દેવરૂપે પૂજે, જેણે પોતે જેલમાં આવીને અમને છોડાવ્યા. કળિયુગનું એ કેવું કૌતુક ? એમણે કેટલાં કષ્ટ સહન કર્યા ? એમના સાથીઓએ કેટલાં કષ્ટો સહન કર્યા ? પ્યારેલાલ હતા તે બિચારા ૧૧ દિવસના ઉપવાસ કરે, તેની ઉપર તેને ગાળ પડે, ઝાડો પેશાબ કરવાને માટે દુષ્તો જવા ન દે. એ બધું એણે શા સારુ કરેલું ? એવા એવા જેના સાથી પડ્યા છે તેની સેવા આપણાથી શી રીતે થવાની ? હવે પાછા એમને દેખવા પામીશ કે નહીં તે પણ ભગવાન જાણે છે ! ” કહીને લાંબો નિસાસો નાખ્યો, અને પાછો આગ્રહ કરવા લાગ્યો : " મને કહો, ભાઈ કહો, હું એમને માટે શું મોકલું ? કાંઈ ખાવાનું મોકલું મારે હાથે એમણે ખાધું એમ માનીને મને તૃપ્તિ થાય ?” આનો જવાબ આપવાની મૂંઝવણમાં વખત જતો હતો ત્યાં તો બાપુ અને વલ્લભભાઈ મુલાકાત માટે જેલ દરવાજે ગયેલા તે આવી પહોંચ્યા અને અમારો સંવાદ અટક્યો.

બાપુના લોભને - સેવાના લાભને -કોણ પહોંચી શકે, કોણ સમજી શકે ? હાથ દુ:ખે છે, દાક્તર ના પાડે છે છતાં, રેંટિયો ચલાવવાનો એ દુ:ખ સાથે

૧૦૨