પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતાં ના ? ” પુસ્તકોની વાત કરતાં મેં કહેલું : “ બાપુ તમારે માર્ક્સ વિષે વાંચવું જોઈએ, અને આપણા યુવકોને માટે માર્ક્સના જવાબમાં કાંઈક permanent contribution (ચિરંજીવ સાહિત્ય) મૂકી જવું જોઈએ.” એટલે બાપુ કહે : “ સાચી વાત છે. મને પણ એમ થયા જ કરે છે. રશિયા વિષે પણ ઠીક ઠીક જાણી લઉં એવી ઈચ્છા થાય છે.” મેં Mind & Face of Bolshevism (માઈન્ડ ઍન્ડ ફેઈસ ઑફ ઐશૈવિઝમ)ની અને શેરવુડ એડીની ચોપડીની વાત કરી. બાપુ કહે: "મંગાવજો. પણ મહિના સુધી નહીં.” હમણાં તો The Wet Parade (ધ વેટ પેરેડ) વાંચે છે અને ખૂબ રસથી. સિંકલેર વિષે કહે : "આ માણસ તો અદ્ભુત સેવા કરી રહ્યો લાગે છે. સમાજનો એક એક સડો લઈને બેઠો છે અને એને આબાદ રીતે ઉધાડો પાડે છે.” મેં કહ્યું : “ અને છતાં એડગર વોલેસ જેવા જ prolific ( ધણાં પુસ્તકાને જન્મ આપનારો) કહેવાય. અને છતાં એમ થાય છે. કે વૉલેસ જેવા પણ ભલેને છૂપી પોલીસની વાર્તાઓ-એના ધોધ કેમ ચલાવી શકયા હશે ? એ માણસ તો પોતાની નવલકથાઓ મોઢે લખાવતો. ' એટલે બાપુ કહે : “મહાદેવ, લખાય, લખાય, એ તો ટૉસ્ટૉય કહેતાને કે સિગાર મોંમાં પડી હોય, ગોટેગોટ ધુમાડા નીકળતા હોય અને સારી રીતે ચસકાવીને બેઠા હોંય, પછી એવા તરગા નીકળ્યાં જ કરે. અને ગપ્પાં મારવામાં શું કોઈ ને પૂછવા જવું પડતું હશે ?”

આજે क् અને खની ઘણી વાતો થઈ. क વિષે છેવટ સુધી માનવાની ના પાડેલી, પછી તેને કાગળ લખેલો, અને એનો કાગળ આવ્યો એટલે સમજાયું કે એણે નબળાઈ બતાવી. એણે અભિપ્રાય માગેલો. તેને લખ્યું કે " અભિપ્રાય તો ન જ અપાય. પણ તમારામાં મને શ્રદ્ધા છે. અને ભગવાન તમારું કલ્યાણ જ કરશે.” પછી બાપુ કહે : “ હજી હું આશા રાખી રહ્યો છે કે એ પોતાની ભૂલ સુધારશે. ख વિષે પણ એવી આશા રખાય. એણે ભૂલ કરી છે એમ એ ન સમજે એમ તો હું માનતો જ નથી. એ બહાદુર માણસ છે એટલે ડરે એમ પણ ન મનાય. છતાં કોણ જાણે ? એટલે આજે તો એના કૃત્ય ઉપર એવા ઉદાર અર્થ મૂકવાની જરૂર છે કે એને કાંઈક અનિવાર્ય કામ હશે તે ઉકેલીને પછી પડવાનો વિચાર કર્યો હશે. આ બાબતમાં તે તે માણસને પૂછ્યા વગર ખબર ન પડે. જુએાની પેલી છોકરીઓ . . . 'બારડોલીમાં ન આવીએ' એમ લખી આપી આવી હતી ના ? ” મને ખબર નહોતી એટલે બાપુએ વર્ણન આપ્યું. પછી કહે : "આ તો બાપડી નાદાન છોકરીઓ. એ સીતારામથી ડરીને એવું લખી આપે. આવા મોટા માણસની તો એની સાથે સરખામણી

૧૧