પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુરેન્દ્રજીએ અગાઉ બ્રહ્મચર્ય વિષે કાગળ લખેલો, તેનો બાપુએ જવાબ આપેલો. સુરેન્દ્રજીએ ફરી શંકાઓ મોકલેલી તેના ઉત્તરમાં બાપુએ નીચેનો મહત્વનો જવાબ લખાવ્યો :

" તમારા કાગળનો જવાબ આપવાની ઉતાવળ નહોતી. અને કેદી તરીકે મર્યાદા જાળવીએ તો ઠીક એમ વિચારીને જવાબ ઠેલ્યો. આગલા (વિલાયતના) કાગળમાં મને જે લખ્યું હતું એ હું તો સાવ ભૂંલી ગયો છું . મનમાં મારે વિષે જે આવે તે લખવામાં સંકોચ રખાય જ નહીં; રાખવો એ ખરું જોતાં દોષ જ ગણાય. સંબંધીઓ અને સાથીઓ મારી કાંઈ પણ ટીકા મનમાં કરે એ મારી પાસે મૂકે તો એમાંથી મને શીખવાનું મળે; કેમ કે એ ટીકામાં વેરભાવ તો ન જ હોય; અને પ્રિયજનને વિષે મનમાં કાંઈક આવી જાય તો તેને ઝટ કહી દેવું એ પ્રેમ અને મિત્રતાની નિશાની છે. કહેવાના સંકોચની પૂરણી માગે એ પ્રેમ અધૂરો છે.

“ ' બધી સ્થિતિમાં રહી શકે તે જ બ્રહ્મચર્ય છે ' એમાં બધી સ્થિતિનો પૂરેપૂરો અર્થ કરવાનો છે. ગમે તેવી લાલચમાં કે ગમે તેવા પ્રલોભનમાં આવી પડે તોપણ જે ટકી રહે તે બ્રહ્મચર્ય. પથ્થરનો પુરુષ કોઈએ બનાવ્યો હોય અને તેની પાસે કોઈ રૂપવતી યુવતી જાય તો તેની અસર પથ્થર ઉપર થવાની નથી. એમ પથ્થરવત રહી શકે તે બ્રહ્મચારી. પણ પથ્થરની પ્રતિમા નથી કાન વાપરતી કે નથી આંખ વાપરતી, તેમ પુરુષ પણ લાલચ શોધતો ન જાય. એ તો બ્રહ્મચારી નથી જ. એટલે પોતાના તરફથી તે પુરુષનું એક પણ કર્યું એવું નહીં હોવું જોઈ એ કે જે વિકારના ચિહ્ન તરીકે ગણી શકાય. પણ મોટો સવાલ તો તમારા મનમાં આ છે. સ્ત્રી જતિનું દર્શન, તેનો સંગ તે અનુભવે સંયમનાં વિધાતક જોવામાં આવે છે તેથી તે ત્યાજ્ય છે. આ વિચારશ્રેણીમાં મને દોષ લાગે છે.

" સ્વાભાવિક સંગ, જેનું મૂળ સેવા છે, એ તજીને જ પાળી શકાય એ સંયમ નથી, એ બ્રહ્મચર્ય નથી. એ તો વૈરાગ્ય વિનાનો ત્યાગ છે. એટલે એ સંગ પ્રસંગે પાંગરવાનો જ. ' પર 'નાં દર્શન વિના વિષયની નિવૃત્તિ નથી જ એ તો વેદવાક્ય છે. પણ એથી ઊલટું વાક્ય પણ એટલું જ સાચું છે. વિષયની નિવૃત્તિ વિના ' પર ’નાં દર્શન નથી. એટલે કે બન્ને વસ્તુ સાથે સાથે ચાલે છે. છેવટનું વચન જરા સમજી લેવું ધટે છે. રસ તો ' પર 'નાં દર્શન પછી નિવૃત્ત થાય છે, એટલે વિષય શમ્યો હોય છતાં ઊંડે ઊંડે રસ રહી ગયો હોય તેથી ' પર’નાં દર્શન થયા વિના

૧૦૮