પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધર્મનું પાલન જ્યાં જ્યાં મને ખબર પડી છે ત્યાં ત્યાં કરાવવાનો પ્રયત્નકર્યો છે.

" ખુરશીની વાત ભૂલી જવા જેવી છે. એને મહત્ત્વ આપવાની આવશ્યકતા નથી. તમે 'कल्याणकृत' છો એટલે સરવાળે સરખું જ થઈ રહેશે. બુદ્ધિ છે એનો પ્રયોગ થયાં જ કરશે. બુદ્ધિને રૂંધી નાખવાની જરાય આવશ્યકતા નથી. ભૂલો કરતાં કરતાં સાચા પ્રયોગ પણ થશે. અને એવું તો કાંઈ નથી જ કે બુદ્ધિના જેટલા પ્રયોગો કરો છે એ બધા ખોટા નીવડે છે. તેમાં પાંચ પ્રયાગ ખોટા નીવડ્યા હોય તો તેથી શું થયું ? આપણને ભૂલ કરવાનો અધિકાર છે. ભૂલીશું ત્યાંથી ફરીથી ગણીશું અને આગળ ચાલીશું.

“ લંડનમાં કયા પ્રસંગે હું બોલ્યો તે તો મને યાદ નથી. પણ જે વ્રતપાલન કરે તે સ્ત્રી સમાજની અધિક સેવા કરી શકે એ વાક્ય તો સાચું છે જ. અને જેટલે અંશે હું તેમાં સફળ થયો હોઈશ એટલે અંશે સેવા અધિક થઈ જ હશે, એ વાત નિઃસંદેહ ગણવી જોઈએ.”

* **

' ક' વર્ગવાળાઓને નોટબુકો વગેરે આપવા વિષેની વાત કરતાં આપુ કહે : " હું તો બધાંને આપું. પછી તેનો કોણ દુરુપયોગ કરે છે તે જોઉં. પણ પહેલાં સદુપયેાગ કોણ કરશે એ નક્કી કરવાનો વિચાર કરું'. વિલાયતમાં મહાદેવ અને દેવદાસ ત્યાંની જેલ જોઈ આવેલા. એ કહેતા હતા કે ત્યાં કેદીઓને કેટલીક સામાન્ય સગવડો એવી મળે છે કે અહીં નથી મળતી. વાત એ છે કે આપણે ભૂલી જઈ એ છીએ કે આપણે અને આ કેદીઓ સરખા છીએ. મારી આગળ ક્વીન કહેતો કે આ લોકોમાં અને આપણામાં ફેર એટલો છે કે એ પકડાયા અને આપણને નથી પકડ્યા. ખૂની ખૂન કરી નાખે છે અને આપણે કેટલાયનાં ખૂન કરવા મનમાં ઈચ્છતા હશું, છતાં ડર કે ગમે તે લાગણીના માર્યા નથી કરતા એટલો ફેર.” સુપરિન્ટેન્ડન્ટ સાહેબ આ વાતનો મર્મ ન સમજી શક્યા. તેમણે કહ્યું : " મારી આગળ ક્વીને આવી વાત કદી કરી નથી. તમારી આગળ કરી હશે તે ભાવાવેશમાં આવીને કરી હશે.” આ માણસને એમ લાગ્યું કે આ કબૂલાતમાં કંઈ નાનમ આવી જાય છે ! ઝીણી સમજની ખામી આ માણસમાં જેવી જોઈ તેવી બીજે ક્યાંય નથી જોઈ.

૧૧૦