પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રગટ કરી છે. અને અંગ્રેજોએ કરેલાં પાપના પ્રાયશ્ચિત્ત તરીકે હિંદુસ્તાનને સ્વતંત્રતા મળવી જોઈ એ એમ લખ્યું છે. એ પુસ્તકથી એના ઉપર અંગ્રેજો ખૂબ ચિડાયેલા. એ માણસ અપ્રામાણિક નથી, પણ એ ભેદી છે, સમતલ વિનાનો છે. આજે મને ગાળો દે, કાલે વખાણ કરે. આજે જયકરને ચઢાવે, કાલે એને ઉતારી પાડે. એની સાથેની વાતચીતમાં પણ એ જ છાપ મને પડી હતી.”

* **

નાનાભાઈ ઉપર લખેલા કાગળ આ રોજનીશીમાં અગાઉ આવી ગયો છે. એના ઉત્તરમાં તેમણે લાંબો પત્ર લખ્યો: “તમારી સલાહ માનવાનું મન થાય છે. પણ હિંમત નથી થતી. ધડીક વાર મન પણ નથી થતું. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન માટે ભિક્ષા માગું તો શું ? મારો એ ફાળો ગણાશે. તમે પણ દરિદ્રનારાયણને માટે તો ભિક્ષા માગવા નીકળ્યા હતા. પણ મારી સમજમાં ભૂલ થતી હોય. મને જરૂર દોરજો.' એના જવાબમાં બાપુએ લખાવ્યું : “મને ધાસ્તી હતી તે પરિણામ આવ્યું છે. દરિદ્રનારાયણને અર્થે હું ભટક્યો એમાં તમે મારી સલાહ સાથે અસંગતિ જોઈ. જોશો એવી મને ધાસ્તી હતી. પણ મેં અસંગતિ નથી જોઈ. જ્યારે ફરવાને નીકળ્યો ત્યારે પણ મને એવું કંઈ લાગ્યું નહોતું. ભેદ આ છે : દક્ષિણામૂર્તિ તમારી સંસ્થા કહેવાય, જેમ આશ્રમ મારી સંસ્થા કહેવાય. દક્ષિણામૂર્તિમાં તમારું કર્તવ્ય દ્રવ્ય સંગ્રહ કરવાનું નહીં પણ ભણાવવાનું, વિદ્યાર્થીઓમાં તમારો આત્મા રેડવાનું. આશ્રમમાં મારું કામ દ્રવ્ય લાવવાનું નહીં પણ નિયમોનું પાલન કરીને આશ્રમવાસીની પાસે કરાવવાનું, તથા આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓને પુષ્ટ કરવાનું. એમ કરવામાંથી જોઈતું દ્રવ્ય આવે એવી શ્રદ્ધા રાખવી જોઈએ. દરિદ્રનારાયણનિધિને માટે એથી ઊલટો ફાયદો. એમાં તો વૃત્તિ જ નિધિ એકઠી કરવાની. દક્ષિણામૂર્તિને સારુ તમારાથી ન નીકળાય. પણ મિત્રો સુખેથી માગે. માગવાનો એમનો ધર્મ છે. હવે ભેદ સમજાયો? આ ભેદ આજનો નવો નથી. દક્ષિણ આફ્રિકામાં પણ એ ભેદને અનુસરીને હું વર્ત્યો. એટલે કે જ્ઞાન થતાં ફીનિક્સને સારુ ભિક્ષા બંધ કરી; પણ ત્યાંની જે લોક-સંસ્થા ચાલતી હતી તેને સારુ હું ઘેરઘેર ભટક્યો હતો. તેથી મારું તો હજી એ જ કહેવું છે કે તમારે આજ નહીં તો શીધ્ર નિશ્ચય કરી લેવો જોઈએ કે દ્રવ્ય ઉઘરાવવાને સારુ તમે નહીં ભટકો. મદદ કરનારા મિત્રોને જાણો છો. એને કાગળ લખો અને નિશ્ચય બતાવી દો અને પછી જે થવાનું હોય તે થવા દો. આવી સંસ્થાઓની કદર હજી લોકોમાં નથી, લોકો પોતાની મેળે આવી. સંસ્થામાં દાન મોકલવાનો ધર્મ સમજ્યા નથી, એ બધું અર્ધસત્ય

૧૧ર