પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અધ્યાત્મની બાબતમાં એનો ફાળો એટલો છે કે ગાયની ખાસ પૂજા કરવાની એ ભલામણ કરે છે.

આ બાપડો સમજતો નથી કે ગાંધીને જિસસની જેમ જ આ લોકોનું રાજ નથી જોઈતું, અને ગાંધીની અહિંસા વિશ્વના અણુપરમાણુમાત્રને વિષે અહિંસા છે. ગાંધીજી શત્રુને પાડવાનો નવો રસ્તો નથી શીખવતા, પણ શત્રુને મિત્ર કરવાનો રસ્તો શીખવે છે, અને ગાંધીને મન બાહ્ય શત્રુના કરતાં આંતર શત્રુઓની સાથેની લડાઈ વધારે મહત્ત્વની અને વધારે વિકટ છે.

* **

ફૂલચંદનું એક પત્તું આવ્યું. તેમાં તે લખે છે કે " મને યાદ કર્યો તે સદ્ભાગ્ય માનું છું. ધ્રાંગધ્રાનું પ્રકરણ ઈશ્વરે સુઝાવ્યું તેમ પતવ્યું અને તેમાં મને પરમ સંતોષ છે. હવે ઈશ્વર સુઝાડે તેમ કામ કર્યે જાઉં છું. '

બાપુ કહે : " આ વાકયોમાં વિવેકપુર:સર જણાવી દીધું છે કે હવે મારા અને તમારા રસ્તા જુદા છે. "

મેં કહ્યું : “ આ પ્રકરણને વિષે હશે, પણ એની સત્યાગ્રહની રીત જ જુદી છે એમ એ કહેવા ઈચ્છે છે.”

બાપુ કહે : " એ સ્પષ્ટ છે. કોમળમાં કોમળ ભાષા અધ્યાહારની છે, અને એણે અધ્યાહારની ભાષા વાપરી છે. "

આ કહીને પોતે મૅટ્રિકની પરીક્ષા આપવા અમદાવાદ ગયા હતા ત્યારે કોક અમદાવાદીને ત્યાં, પોતાના મોટાભાઈની ભલામણથી ઊતરેલા, તેણે આપેલા આવકારનું બહુ રમૂજી વર્ણન આપ્યું. " એ ભાઈ લેવા આવ્યા, ગાડીમાં પોતાને ઘેર સુધી આવ્યા, અને પછી મને મૂકીને ઘરમાં ચાલ્યા ગયા. ભાડું કોણ આપે ? મેં તો પેલા ગાડીવાળાને પૂછયું અને ભાડું આપી દીધું. મેં ભાડું આપ્યું ત્યાર પછી પેલા ભાઈ પાછા આવ્યા. એણે અધ્યાહારની ભાષા વાપરી હતી. એનાં ઘરમાં બીજી કંજૂસાઈનો પણ પાર નહોતો. પણ મને છોડવવાને જ દ્વારકાદાસ પટવારી આવ્યા અને પોતાને ઘેર લઈ ગયા." મે મારો એક તાજો અનુભવ વર્ણવ્યો. બાપુ કહે : " તારો અનુભવ મારાને ચઢી જાય."

* **


' ટ્રિબ્યુન ’માં ‘ ડેલી ટેલિગ્રાફ ’ના ખબરપત્રીનો પેશાવર વિષેને લેખ છે. તેમાં નિર્લજ્જ રીતે પેશાવરને કેમ દબાવી દીધું તેનું આબાદ વર્ણન છે. બાપુ કહે : " આમાં આપણો આખો કેસ આવી જાય છે. ધાક બેસાડી દેવા સિવાય બીજો રસ્તો અમે લીધો જ નથી એમ એ કબૂલ કરે છે. "

૪૪