પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લખવાની તો છૂટ હોવી જોઈએ, એ કાગળ મેજર માર્ટિનને લખ્યા, અને તે માકલવો પડે તે પહેલાં જ મેજર ભંડારી એ પરવાનગી આપી ગયા. એટલે તુરત જ મીરાબહેન, કાકા, પ્રભુદાસ, મણિ, જમનાલાલજી, દેવદાસ એ બધાને કાગળ લખ્યા. મીરાબહેન તો રોજ કાગળને અભાવે અકળાતી હશે એ વિચારે એક કાગળ લખ્યો હતો જ. પણ તેના બે આવ્યા એટલે પહોંચનો બીજો લખ્યો અને જેલરને વીનવ્યા કે એ કાગળ તુરત મોકલવામાં આવે. સરદારને રાત્રે મચ્છરથી ઊઘ ન આવે માટે એમને તુરત મચ્છરદાની મળવી જોઈએ એ બાબતની ચિઠ્ઠી પોતે જેલરને લખી અને રવિવાર છતાં એમને ઘેર પહોંચાડવાની વોર્ડરને સૂચના કરી. પોતે રાત્રે લઘુશંકાને માટે ઊઠે અને એમની પાવડીના ખખડાટથી હું ઘણી વાર જાગી જાઉં છું, એમ જાણ્યું એટલે પાવડી છોડી, ચંપલ પહેરવા માંડ્યાં, એારડામાં જવાનું બંધ કર્યું, અને પાત્ર પોતાના ખાટલા પાસે રાખ્યું; અને જ્યારે પાત્ર એારડામાં હતું ત્યારે હું સૂઉં છું ત્યાંથી દૂરનો રસ્તો લઈ ને ઓરડામાં ચોરને પગલે જતા ! પોતાનાથી બજારમાંથી ફળ ન મંગાવાય પણ હરિદાસ ગાંધી ઈસ્પિતાલમાં છે તેને માટે ફળ બજારમાંથી અવસ્ય મંગાવી શકાય ! ' એસો કો ઉદાર જગમાંહી, બિનસેવા જો દ્રવે દીન પર, રામ સરિસ કોઉ નાંહી, એસો કો ઉદાર.'

* **

આજે પ્રભાતે ફરતાં ફરતાં ચાલુ પ્રસગો ઉપર ચર્ચા ચાલી. બાપુએ કહ્યું : " આજે સમાધાન થાય એમ હું ઈચ્છતો જ નથી, એનો હજી અવસર નથી, આપણે એને માટે તૈયાર નથી. હજી આપણે મૂંગે મોઢે ઘણાએ જેલમાં જવાનું છે અને પડી રહેવાનું છે. સરકાર અણધારી રીતે મારી સાથે સરખી ચાલી રહી છે. કેદીઓ ઉપર કાગળો લખવાની છૂટ આપવા જેટલી ઉદાર થશે એવી મેં આશા નહોતી રાખી. પણ સંભવ છે કે આપણી અહિંસાની અસર એના ઉપર થઈ હોય. પેલો કેડલ આવ્યો હતો તે કાંઈ ભારે ડાહ્યો માણસ નથી પણ કોઈ કોઈ વાર એના મોઢામાંથી ડહાપણનાં વાક્યો નીકળે છે. એણે જ્યારે કહ્યું કે આપણી લડતમાં આ વેળા કડવાશ નથી એટલે એમ સમજવું કે જમવાના ટેબલ ઉપર ચાલતાં એ લોકોનાં ગપ્પાંના ભણકારા એ વાતમાં વાગતા હતા. હજી આપણે વધારે અહિંસા કેળવીએ તો એની વધારે અસર થાય.

* **

વલ્લભભાઈ આજે ધાર્મિક પ્રશ્નો ચર્ચાતા હતા. મહાભારત, રામાયણ, એ ઐતિહાસિક ગ્રંથ નથી જેમ શેક્સપિયરનું જ્યુલિયસ સીઝર એ

૪૬