પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

– આ શુભેચ્છાને તમે ધૂળ મેળવશો ? કાંઈ નહી તો જે વસ્તુઓને માટે ભાવિ પ્રજા આપણી ઉપર ફિટકાર વર્ષાવશે એવી વસ્તુઓ, અથવા પાછળથી આપણને પોતાને પસ્તાવો થવાનો સંભવ હોય અને છતાંય જેનો ઉપાય ન થઈ શકે એવી વસ્તુઓ, કરવાનું તો બંધ રાખો ! ઝેરવેરના વારસા ઓલાદની ઓલાદ સુધી રાખવા છે? એ કાગળની ઉપર ' અંગત ’ એમ લખવું જોઈએ કે નહીં એમ મેં પૂછવું. બાપુએ ' હા’ કહી. એટલે સરદાર કહે : " ને લખ્યું તો પણ શું થયું ? કોઈ વાંચી જશે તેમાં શું થવાનું છે ? જે વાંચશે તે કહેશે કે આ લોકો જેવા નાગા કોઈ નહીં. - જેલમાં ગયા છે તોયે જપે છે ? ”

* **

| ' કિંગ્સ કોલેજ'માં બૉલ્ડવિનનું Secret of Happiness ' સુખની ચાવી’ ઉપર ભાષણ થયું. એનો સાર ‘ મૅચેસ્ટર ગાર્ડિયને’ આપેલો તે ' ક્રોનિકલે ' ઉતાર્યો છે. સર ઑલ્ફ્રેડ ક્રિપ જે શસ્ત્રવૈદ “સુખ અને જીવનસાફલ્ય ” એ વિષય ઉપર દર વર્ષે ભાષણો અપાવવાને માટે દાન કરી જાય એ પણ એક અપૂર્વતાવાળી વસ્તુ છે. ભાષણમાં બૉલ્ડવિનની ચૂટેલા શબ્દોનાં ચૂંટેલાં વાક્યોવાળી શિલી ઊભરાતી હતી. સુખના ઉપર બોલવાને બદલે એણે તો ઈશ્વરની જેમ ' નેતિ નેતિ' કહીને પતાવ્યું. ઈશ્વર સુખ અથવા આનંદરૂપ જ છે એટલે એની ‘ નેતિ નેતિ ’થી વ્યાખ્યા થાય એમાં શું આશ્ચર્ય ? છતાં ભાષણને અંતે કહેલા ઉદ્ગારો બહુ હૃદયંગમ છે :

"Happiness may be the echo of virtue in the soul, it is certainly a harmony in the mind. It may radiate from beggars and Gypsies, lords of the universe who own no service to fame and fortune. It may be the beatific vision of the holiest saints or the insight of the greatest thinkers in the art of apprehending reality."

" સુખ એ હૃદયમાં રહેલા ગુણોનો પડઘો હોય. ચિત્તમાંની સુસંવાદિતા તો એ જરૂર છે જ. ભિખારીઓ અને રખડુઓમાં પણ એ જોવા મળે. તેવાઓ દુનિયાના સ્વામી છે કારણ કીર્તિ કે સંપત્તિની તેમને સ્પૃહા નથી. સુખ એ પવિત્ર સંતોને થતું પરમ આનંદના અનુભવનું દર્શન હોય અથવા તો મહાજ્ઞાની પુરુષોમાં તત્ત્વનું આકલન કરવાની કળાની જે અંતર્દષ્ટિ હોય છે, તે પણ એ હૉય.”

છતાં આપણી સુખની વ્યાખ્યાને કોઈ પહોંચે એમ છે ? यद्यत्परवश दु:खं यद्यदास्मवशे सुखम् । ગેટેની શતસંવત્સરી ઊજવાય છે. એની અનેક

૪૮