પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

" તમારી મહેનતની અને તમારી સુધડતાની જેટલી સ્તુતિ કરો તેટલી ઓછી. પણ મુખ્ય કુંચી મળ્યાનો દાવા વધારે પડતો નહીં હોય ? એ ચાવી શી છે ? તેને ચાવી માનવાનાં અને મુખ્ય માનવામાં તમારી પાસે સબળ પ્રમાણો છે ? વિશારદોએ તેનો સ્વીકાર કર્યો છે ? તમારી શોધમાંથી તમે કયા ફળની આશા આપો છો ? આમાં પેલા રેટિયાવાળા મુખ્ય ચાવીના અભાવનો દોષ તો નહીં હોય ? હું તમારી પાસેથી સમજવાને તૈયાર જ છું. અને તટસ્થતાએ તમારી દલીલો તોળીશ. પણ શોધકને - સાધકને શોભે તેટલી નમ્રતા કેળવજો. તે કેળવાઈ કેળવાતી નથી એ જાણું છું. ખરી શોધોમાં તો તે છુપાયેલી હોય જ છે. પોતાની પાસે હજારો પ્રમાણો હોય છતાં શેાધકને પોતાની શોધને વિષે શંકા રહે જ. પરિણામ એ આવે કે જ્યારે તે પોતાની શોધ જગત આગળ મૂકે છે ત્યારે તેણે સાક્ષાત્કાર કર્યો હોય છે. જગત વિસ્મિત થાય છે ને વિશ્વાસ લાવે છે. તેના વચનમાં સત્તા હોય છે, તેજ હોય છે. જગત એ વચન ઝીલી લે છે. તેનાં પ્રમાણોથી તો અંજાઈ જ જાય છે. કેમ કે શોધકે તે પોતાની શોધને દશે દિશાએથી તપાસી હોય છે. આ બધું તમારી શોધને વિષે સાચું હોય તો મારે કઈ કહેવાપણું ન હોય. એમ હોય તો તમને હજારો વંદન. એમ હો એવું હું ઇચ્છું છું.

" અમે બધા એટલે ત્રણેય મઝામાં છીએ. શંકરને કહેજો કે તબિયત ન બગાડે, કાગળ લખે.

બાપુના આશીર્વાદ ”
 

२३-४-'३२ બાપુના ડાબા હાથની કોણી ઉપરના હાડકામાં દરદ થાય છે. અને જમણા હાથના અંગૂઠા ઉપર દર્દ છે છતાં છેલ્લા ત્રણ દિવસથી તેમણે ૩૭૫ તાર કાઢવાની પ્રતિજ્ઞા કરી લાગે છે, દાક્તર મહેતા કહે છે કે આ બંને હાથને આરામ આપો, પણ બાપુ કહે, એ દર્દ રેટિયાથી વધતું નથી ! ખાસ તો રાષ્ટ્રીય સપ્તાહને લીધે વધારે તણાયા એમ લાગે છે. આજે થાકેલા હતા. સામાન્ય રીતે ત્રણ વાગ્યે કાંતવાનું પતે છે. પણ આજે ત્રણે પતેલું નહીં, પણ સપ્તાહનો છેલ્લો દિવસ અને સાંજે ૫૦૦ ન કતાય એ તો બરાબર નહીં એમ કહીને મંડ્યા રહ્યા. અને ચાર વાગ્યે પૂરું કર્યું.

રાષ્ટ્રીય સપ્તાહમાં ખાસ આગ્રહપૂર્વક વધારે કામ કરવાનો પ્રયાસ થાય છે. મને તો થાય છે કે મારો નિત્યક્રમ ચાલે છે તેમ જ બધા દિવસ

૯૪