પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
મહાન સાધ્વીઓ


પ્રેમ કાઢી લેતો નથી; પરંતુ ઉલટો પોતાના પ્રેમરૂપી પારસમણિદ્વારા ભક્તના પ્રેમને સોનાનો બનાવી દે છે. એવે સમયે એ ભક્તિમતી સાધ્વીના સ્વામીને જેટલો લાભ થાય છે, તેટલો લાભ બીજે કોઈ સમયે થતો નથી.

મેડમ ગેયાઁ હવે ઘરસંસારની આ બધી પ્રતિકૂળ અવસ્થાઓની સાથે સંગ્રામ કરતાં કંટાળતાં નહિ; પરંતુ કોઈ કોઈ વખત તેમનું હૃદય દુર્બળ થઇ જતું અને સુખની ઇચ્છા પ્રબળ થઇ જઇને ધર્મ ભાવ ઝાંખો પડી જતો, અને હૃદયમાં રહેલા પ્રાણેશ્વરને હૃદયમાં ખોળી શકતાં નહિ; તેથી એ બાબતની ચિંતાઓમાં એ દુઃખી થઈને મરણતોલ બની જતાં.

હાય, મેડમ ગેયાઁએ એક દિવસ જે એમ ધાર્યું હતું કે, ધર્મરાજ્યમાં મેં જે સ્થાન ઉપર અધિકાર જમાવ્યો છે તે સ્થાન ઘણું ઉંચું છે; વા-વંટોળીઆથી એ સ્થાન હાલશે નહિ, વજ્ર્ પડવાથી તૂટશે નહિ; અને હમેશાં એજ સ્થાનમાં નિર્વિઘ્ને વાસ કરી શકીશ. પરંતુ બે વર્ષ વીત્યાં ન વીત્યાં એટલામાં તો જે પર્વત ઉપર તેમણે આશ્રય લીધો હતો તે પર્વત ધરતીકંપથી હાલી ઉઠ્યો. તેમણે ચમકીને જોયું કે, એમના વિશ્વાસનો પાયો ડગમગી રહ્યો છે; આધારના ચૂરેચૂરા થવાની તૈયારી છે. હવે ક્યાં ગઇ એમની આધ્યાત્મિક સંપત્તિ ? આ તો અંતઃકરણમાં બંડ ઉઠ્યું છે; હુંપદનો ભાવ ઉગ્ર થઈ રહ્યો છે; પ્રેમ સૂકાઈ રહ્યો છે ! આવી અવસ્થામાં એક દિવસ એક અજાણ્યા તટસ્થ પુરુષે ઈશારો કરીને તેમના બધા દોષ અને દુર્બળતા જણાવી દીધાં, એ જાણતાં જ તેઓ માનસિક વેદનાથી મૂર્છિત થઈ ગયાં.

પરંતુ મેડમ ગેયાઁ આ વખતે એવી દુર્દશામાં આવી પડ્યાથી નિરાશ થયાં નહિ. સંશય તેમના મન ઉપર સદાને માટે માયાજાળ ફેલાવી શક્યો નહિ; એ પાતાના ઉંડા આધ્યાત્મિક ચિંતનની મદદવડે ધર્મ માર્ગના રહસ્યની કથા ઘણી ઉત્તમરૂપે સમજી શક્યાં. એમના મનમાં આવ્યું કે, આ ધર્મમાર્ગ માં બધે ઠેકાણે કાંઈ પાકી સડક નથી. કોઈ કોઈ સ્થળે એવી સડક છે ખરી; એવે સ્થાને જરાપણ હરકત વિના ચાલી શકાય છે, પરંતુ બીજે કેટલેક સ્થળે જોખમકારક સંગ્રામપૂર્ણ અને અરણ્યમય કાંટાવાળી જમીન પણ હોય છે. એવે સ્થળે ચાલતી વખતે બ્હીતે બ્હીતે લોહીવાળા ચરણોએ અને સજળ નયને ચાલવું પડશે. એ સિવાય બીજો ઉપાય નથી.