પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
સાધ્વી ગેયાઁ


ને કહ્યું કે “મેં તો એવાં અનેક કાર્યો કર્યા છે કે જેને લીધે તમને અતિશય ક્લેશ સહન કરવો પડ્યો છે; પરંતુ મેં જાણી જોઈને કદી તમને દુઃખી કર્યા નથી. આમ છતાં પણ મારા અનેક અપરાધ થયા છે. આજ એ બધા અપરાધોની આપની પાસે ક્ષમા માગુ છું. પ્રસન્નચિત્તે મને ક્ષમા આપો.”

મેડમ ગેયાઁના સ્વામીના રોગક્લિષ્ટ મુખ ઉપર સ્નેહ અને પ્રેમની એક પ્રકારની સુરખી આવી, અને તેનાં નયનોમાં કરુણ અને મધુર ભાવનું તેજ ઝળકવા લાગ્યું. એ બોલ્યો “તું શા સારૂ મારી પાસે ક્ષમા માગે છે ? હું તને મેળવવાને યોગ્ય નહોતો, એ વાત શું હું જાણતો નથી ? દોષ તો મારોજ છે. હું જ તારી પાસે ક્ષમા માગું છું.”

૨૧ મી જુલાઇએ મેડમ ગેયાઁના પતિનો અંતકાળ આવી પહોંચ્યો. એ દિવસે દાક્તરોનું ઔષધ, સ્ત્રીની સેવા, સંતાનોની આંખનાં આંસુ, એ બધું વ્યર્થ ગયું; મૃત્યુએ તેમના ઘસાઈ ગયેલા દેહ ઉપર પોતાની પ્રચંડ શક્તિ અજમાવવા માંડી. પત્ની અને પુત્રપુત્રી તથા સંસાર અને સંપત્તિ બધુ પૃથ્વીમાં મૂકીને તેમણે પરલોક તરફ પ્રયાણ કર્યું.

મેડમ ગેયાઁના લગ્નને બાર વર્ષ અને ચાર માસ થયા હતા. હવે એમની વય અઠ્ઠાવીસ વર્ષની હતી. એ વયે એ બે પુત્ર અને એક કન્યાને લઈને વિધવા થયાં. એમની આધ્યાત્મિક શક્તિ ગમે તેટલી પ્રબળ હોવા છતાં પણ આ દારુણ શોક એ સહેલાઈથી સહન કરી શક્યાં નહિ. અનેક દિવસ સુધી તેમને આંસુ પાડવાં પડ્યાં. ત્યારપછી એ સાધ્વી નારીએ પોતાના હૃદયમાં અનુભવ્યું કે, ઇશ્વરના ચરણમાં પોતાનું જીવન અને યૌવન સમર્પણ કરવાનો સમય હવે આવી પહોંચ્યો છે, ઈશ્વરની કરુણા અને પ્રેમસિવાય આ સંસારમાં તેમને આધાર લેવા યોગ્ય બીજુ કાંઈજ હવે નથી.

ત્યારપછી થોડાક મહિના બાદ ખ્રિસ્તોત્સવ શરૂ થયો. એ વખતે વિધવા નારીએ સાસુનો સ્નેહ આકર્ષવા અને તેની સાથે સંપ કરવાના પ્રયત્ન કરવા માંડ્યો. તેમણે મનમાં ધાર્યું હતું કે, આ શોકના સમયે સાસુજી તેમને પોતાની કુખમાં લઈને ધીરજ આપશે. એટલા માટે તેમણે અતિશય દયામણે ભાવે સાસુને કહ્યું:- “માજી ! આજના આ પવિત્ર દિને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૃથ્વીમાં શાન્તિ આણવા સારૂ જન્મ ધારણ કર્યો હતો. હું તેમના નામે આપની