પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
મહાન સાધ્વીઓ

એ તેમના જીવનની ગતિને બે તરફ ફેરવી દીધી. રાજા રામમોહન રાયે ભારતવર્ષ તરફ તેમના ચિત્તનું આકર્ષણ કર્યું અને ડૉક્ટર ટકરમેને અસહાય, દરિદ્ર અને અજ્ઞાન બાલકબાલિકાઓની સેવા કરવા તરફ તેમને ઘણાંજ ઉત્સાહિત કર્યાં. અત્યાર સુધીમાં પ્રાપ્ત કરેલા શિક્ષણ, ધર્મવિશ્વાસ અને દૃઢ ચરિત્રને લીધે આટલી નાની વયમાંથીજ એ આ અને કાર્યને માટે તૈયાર થઈ ચૂક્યાં હતાં. અજ્ઞાનરૂપી અંધકારથી છવાયેલા ભારતવર્ષની એ સમયની શોચનીચ અવસ્થામાં રાજા રામમોહન રાયે સત્યની ખાતર કેવાં કેવાં કષ્ટ સહન કર્યાં હતાં અને સર્વ પ્રકારના કુસંસ્કાર અને વિઘ્નોને તોડી નાખીને કેવી રીતે ઇંગ્લઁડ પધાર્યા હતા એ બધાનો વિચાર કરતાં મેરી કાર્પેન્ટરનું હૃદય તેમની તરફ ઘણી ઉંડી શ્રદ્ધાપૂર્વક નમ્યું. રાજા રામમોહન રાયના ધર્મવિશ્વાસ અને અપૂર્વ સ્વાર્થ ત્યાગે મેરી કાર્પેન્ટરના હૃદયમાં ભારતનાં દુઃખ દૂર કરવાની ઇચ્છા જાગ્રત કરી દીધી. ત્યારપછી ત્રીસ વર્ષે એ ભારતવર્ષમાં પધારવાને સમર્થ થયાં હતાં. રાજાના મૃત્યુ પછી મેરી કાર્પેન્ટરે રાજા સંબંધી ઘણી ઉંડી લાગણીવાળી એક કવિતા રચી હતી. રાજાનો નશ્વર દેહ જ્યારે સ્ટેપલટનના સમાધિમંદિરમાં દાટવામાં આવ્યો ત્યારે ડૉક્ટર કાર્પેન્ટરે પોતાની પુત્રીની રચેલી એ કવિતા વાંચી સંભળાવી હતી.

xxxx

રામમોહન રાય પૃથ્વીના બુદ્ધિમાન પુરુષોમાં ભારતના અસાધારણ પુરુષ હતા. ભારતવર્ષ જે સમયે ઘણી ખરાબ અવસ્થામાં હતો તે સમયે તેઓ બંગાળામાં જન્મ્યા હતા. ધર્મનીતિ, સમાજતત્ત્વ, રાજનીતિ કે બીજો કોઈ ઉપયોગી વિષય એવો ન હતો કે જેમાં સુધારો કરવા માટે તેમણે હસ્તક્ષેપ ન કર્યો હોય. એમના જેવી સર્વતોમુખી પ્રતિભા થોડાઓમાંજ હોય છે. એવા લોકમાન્ય મહાપુરુષના ગુણોથી આકર્ષાવું એ કુમારી મેરી કાર્પેન્ટર જેવાં કોમળ હૃદયનાં પરોપકારી નારીને માટે સ્વાભાવિક હતું. મેરી કાર્પેન્ટરે રાજાની પાસેથી ઘણો ઉપદેશ લીધો હતો. “મનુષ્યજાતિના કલ્યાણનાં કાર્ય કરવાં, એજ પરમેશ્વરની ખરેખરી ઉપાસના છે” એ મહામંત્ર તેમણે રાજાના ચરિત્રમાંથી વિશેષરૂપે મેળવ્યો હતો તથા રાજાના ચરિત્રને આદર્શરૂપ માનીને તેમણે પોતાના જીવનને કર્મસમુદ્રમાં ઝોકાવ્યું હતું. રાજા ઉપરની પોતાની આંતરિક શ્રદ્ધા