પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
મહાન સાધ્વીઓ

દેશમાં નવીન યુગ પ્રકટાવ્યો હતો, તેની કીર્તિનાં બણગાં ફૂંકવા છતાં પણ અમે તો નિરાંતે ઘોર નિદ્રામાં જીવન ગાળીએ છીએ. અમે સમયની સાથે પ્રગતિ નથી કરી, બલકે ઉલટા પાછળ હઠ્યા છીએ. આ વાત રાજા જેટલી સ્પષ્ટતાથી સમજી શક્યા છે તેટલી સ્પષ્ટતાથી બીજું કોઇ સમજ્યું નહિ હોય. હાલમાંજ મારે એમની સાથે વાતચીત થઈ હતી, અને એમણે વિચારપૂર્વક કહ્યું હતું કે, આ બધું બદલાવું જ જોઈએ. આપણે સ્થિતિમાં ફેરફાર કરવોજ પડશે.”

“સંસારમાં સારામાં સારા અને ડાહ્યામાં ડાહ્યા માણસો પણ નિષ્ફળ નીવડે છે, અને એટલું તો નક્કી છે કે, ફ્રાન્સનો બાદશાહ રાજ્યનીતિકુશળ અને પ્રપંચી છે. રશિયા અને પ્રશિયાવાસીઓ સિંહના જેટલા પરાક્રમપૂર્વક લડ્યા હોત, અને અમે પરાજિત ન થયા હોત, તો પણ અમારે રણક્ષેત્રનો ત્યાગ કરવાવારો આવત અને શત્રુઓએ આ ભૂમિનો કબજો લીધો હોત. નેપોલિયનના જીવનમાંથી આપણે ઘણું શીખવાનું છે. એણે જે કાંઇ કર્યું છે તેના ઉપરથી શિખામણ લેવાનું અમે નહિ ભૂલીએ. ઈશ્વરે એને મદદ કરી છે એવું કહેવું એ તો ભગવાનની નિંદા કરી ગણાય, પણ ખરી વાત તો એ છે કે, વૃક્ષની જે શાખાઓમાંથી ચૈતન્ય ચાલ્યું ગયુ હતું, અને જેને લોકો ભૂલથી વૃક્ષ સમજી રહ્યા હતા તેમને કાપી નાખવામાં એ પ્રભુના હાથમાં ઓજારરૂપ બન્યો છે. સારા દહાડા પણ પ્રભુ જરૂર દેખાડશે. સર્વશક્તિમાન પ્રભુમાં દૃઢ વિશ્વાસ અમને એ બાબતની ખાત્રી આપે છે. આ સંસારમાં કેવળ શુભ કર્મોનું જ પરિણામ શુભ આવે છે, એટલા માટે હું નથી માનતી કે, બાદશાહ નેપોલિયન દૃઢતાપૂર્વક એ સિંહાસન ઉપર બેસી શકે. એકનિષ્ઠા, સત્ય અને ન્યાય, એ ત્રણજ ગુણ ચિરસ્થાયી અને અખંડ છે. નેપોલિયન ફક્ત રાજનીતિવિશારદ અને વ્યવહારકુશળ છે. એ ભગવાનના નિયમને અનુસરીને રાજ્ય નથી ચલાવતો,પણ સમય વર્તીને ચાલે છે; એટલે એનું શાસન અન્યાયથી કલંકિત છે. એ મનુષ્યો સાથે ન્યાયથી વર્તતો નથી તેમજ એના ઉદ્દેશો પ્રમાણિક અને વ્યાજબી નથી. એની બધી મહત્ત્વાકાંક્ષા પોતાની સત્તા વધારવા પૂરતી છે. એના વર્તનથી આપણને આશ્ચર્ય ઉત્પન્ન થાય છે, શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. પોતાના પાસા સવળા પડતા જોઇને એ મદાંધ થયો છે અને માને છે કે, હું ધારું એ પાર પાડી શકું એમ છું.