પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
મહાન સાધ્વીઓ

પોતાનો પ્રેમ બોલી બતાવ્યા કરતાં કર્મ દ્વારા પ્રગટ કરે છે. ગઈ કાલેજ એમણે મારા સામું પ્રેમથી નીહાળીને પોતાની સ્વાભાવિક સરળતાથી મને કહ્યું હતું કે ‘વહાલી લુઈસા ! તું મને પહેલાં કરતાં વધારે પ્રિય લાગે છે અને આ આપત્તિના સમયમાં મને તારી વધારે કદર થાય છે. અનુભવથી મને ખબર પડી છે કે, તારા સ્વામી બનવું એમાં કેટલી મહત્તા છે. આપણી એકતાની ગાંઠ ઢીલી પડતી ન હોય ત્યાંસુધી બહાર ગમે તેટલો વંટોળીઓ આવે તેની મને જરા પણ પરવા નથી. હું તને ઘણાજ પ્રેમથી ચાહું છું તેથીજ મેં આપણી સૌથી નાની પુત્રીનું નામ લુઇસા પાડ્યું છે.’ એમનો આ પ્રેમ જોઇને મારાં નેત્રમાં આંસુ ભરાઈ આવ્યાં. એ નાની છોકરી એમને માટે સાચી લુઇસાજ નીવડો. સંસારમાંના સર્વોત્તમ નરનો પ્રેમ અને વિશ્વાસ મેળવ્યાથી હું ગૌરવ, આનંદ અને સુખ અનુભવું છું. હું પણ ખરા અંતઃસ્કરણથી એમના પ્રેમનો બદલે વાળું છું; અને અમે એટલાં બધાં એકરૂપ થઈ ગયાં છીએ, કે એકની ઇચ્છા તેજ બીજાની ઇચ્છા થઈ પડી છે. એથી કરીને વર્ષો વીતતાં ગયાં તેમ તેમ એમનો વિશ્વાસ કાયમ રાખવાનું મારે માટે સહેલું થઈ પડ્યું છે. એક શબ્દમાં કહું તો એ મને દરેક વિષયમાં અનુકૂળ છે અને હું દરેક વિષયમાં એમને અનુકૂળ છું. અમે બંને જ્યારે સાથે હોઈએ છીએ ત્યારે અમે સુખને શિખરે હોઇએ છીએ. પિતાજી ! અમારા આ આનંદજનક ઐક્યની વાત અભિમાનપૂર્વક કહેવા માટે મને ક્ષમા કરશો. આ તો મારા સુખમાંથી ઉદ્‌ભવેલા સ્વાભાવિક ઉભરા છે, અને એ બધું જાણ્યાથી મારા ઉત્તમ અને સ્નેહાળ પિતા કરતાં બીજા કોઇને વધારે આનંદ નહિ થાય એમ ધારીનેજ એ ઉદ્‌ગારો કાઢ્યા છે.”

આ પત્રમાંથી રાણી લુઇસાનો પતિપ્રેમ અને પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાનો પૂર્ણ પરિચય મળી આવે છે. કોણ કહેશે કે એ આદર્શ સાધ્વી આદર્શ પત્ની નહોતાં ? પતિ પ્રત્યેના પ્રેમને લીધે એમની એક નાની સરખી છબી હમેશાં એ પોતાના ગળામાં ધારણ કરતાં. એમના ઉપર દુઃખ પડવામાં ન્યૂનતા રહી નહોતી, પરંતુ ગમે તેવા સંકટમાં પણ એમણે ધૈર્યને વિસાર્યું નથી, આત્માને દબાવી દીધો નથી કે મનમાં હલકા વિચારો આવવા દીધા નથી.

પોતે પોતાનું દુઃખ તો બધું સહન કરતાં, પણ નિર્દોષ પતિનું