પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
મહાન સાધ્વીઓ

પરાયણ પાતિવ્રત્ય અને કાર્યતત્પરતાનો બોધ ગ્રહણ કરશે ?

ભારતવાસી સન્નારીઓ ! ઇટાલીના ઉદ્ધારનું વ્રત સાધવાને એનિંટાએ જે પ્રમાણે આત્મજીવનની આહુતિ આપી હતી, પાતિવ્રત્ય ધર્મનું ઉદ્યાપન કરવાને જે પ્રમાણે તેણે આત્મબલિદાન કર્યું હતું, તેજ પ્રમાણે તમે પણ સ્વદેશસેવાના વ્રતમાં જીવનની આહુતિ નહિ આપો અને પાતિવ્રત્ય ધર્મનો પ્રચાર થવા સારૂ એજ પ્રમાણે પતિની સર્વ શુભ પ્રવૃત્તિઓમાં આત્મસમર્પણ કરતાં નહિ શીખો, ત્યાં સુધી આપણા પડતીમાં પડેલા દેશના ઉદ્ધારની કેાઈ પણુ આશા નથી.

સ્ત્રી એ મહાશકિત – મહામાયાના અંશસ્વરૂપ છે. એ શક્તિ બેપરવા રહે, દેશનાં કાર્યોમાં ભાગ ન લે તો પુરુષના પ્રયત્નો સફળ થઈ શકે નહિ. શક્તિસંચાર થયા વગર કોઈ પણ જાતિની ઉન્નતિની જરા પણ આશા રાખી શકાય નહિ. સ્ત્રીવર્ગ રાષ્ટ્રીય ઉન્નતિ અને જાતીય અભ્યુત્થાનથી પ્રતિકૂળ હોય, પતિ ગમે તેટલા સુધારા કરવા ઈચ્છતો હોય, પણ પત્ની તેમાં શામેલ હોય નહિ છે તો તે દેશ કદી ઉન્નતિ કરતો નથી, પણ અંધકારમાંજ ડૂબેલો રહે છે. પાશ્ચાત્ય દેશની ઉન્નતિનું મૂળકારણ ત્યાંની સ્ત્રીઓનો ક્રમપૂર્વક વિકાસ છે. ભારતીય આર્ય લલનાઓ જ્યારે સતીત્વમાં, પરોપકારમાં અને સ્વદેશસેવામાં જગતને આદર્શરૂપ જીવન વ્યતીત કરતી હતી, ત્યારે આ ભારત પણ સંસારમાત્રના મુકુટરૂપ હતો. શું એ દિવસ પાછો નહિ આવે ? કોણ કહે છે નહિ આવે ? શુભ ચિહ્‌ન દેખાવા લાગ્યાં છે. ઉચ્ચ આદર્શને દૃષ્ટિ આગળ રાખી, પુણ્ય માર્ગે જવાથી સફળતા અવશ્યંભાવી છે. પરમાત્મા ભારતમાં હજારો એનિટાઓ ઉત્પન્ન કરો.