પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭
સાધ્વી બહેન દોરા

રોગીની પાસે રહેતી અને દિવસે પાછી આશ્રમમાં આવી સૂતી. આ પ્રમાણે રોગીની કેટલાક દિવસ ચાકરી કર્યા પછી તેની હાલત ધીમે ધીમે સુધરવા લાગી. દોરા વૃદ્ધ સ્ત્રીને સારી થતી જોઈ ઘણી ખુશ થઈ. તે હવે રોગીના સંબંધમાં થોડીક નિશ્ચિત થઈ હતી એટલામાં એકાએક એક રાત્રે ઘરનાં સૌ ઉંઘતાં હતાં ત્યારે વૃદ્ધ સ્ત્રીએ દોરાને ધીમે ધીમે કહ્યું કે “મારા પલંગ નીચે એક પેટી છે તે લાવ.” તરતજ દોરાએ પેટી પલંગ પર મૂકી. ડોશી ઉન્માદવશ હોવા છતાં પણ દોરાના કામકાજથી એટલી બધી ખુશ થઈ હતી કે પોતાની પેટી ઉઘાડી. તેમાં જે કિંમતી હીરાના અલંકાર હતા તે સર્વ તેને લેવાને કહ્યું. દોરાએ તે લેવા ના પાડી. તેથી ડોસી ગુસ્સે થઈ બોલી “તું આ ન લે તો હું તને મારી નાખીશ.” દોરા કોઇ પણ રીતે તે લેવાને રાજી થઇ નહિ. તે રાત્રિનો બનાવ આવી રીતે પૂરો થયો. ડોશીના મનનો નિશ્ચય હતો કે, દોરાને આ અલંકાર આપી સુખી કરવી. કોઇ રીતે આ નિશ્ચય ફરે એમ નહોતો. બીજી રાત્રે દોરાએ જોયું તો ડોશીને સ્થિર થઇને ઉંઘતી દીઠી તેથી કાંઈક નીરાંત વળી. બારી આગળ બેસી મધ્યરાત્રિના ગાંભીર્ય માં ડૂબીને તે નક્ષત્રના તેજથી પ્રકાશિત શાંત આકાશ તરફ જોતી હતી. એવામાં ડોશી આસ્તે આસ્તે ઉઠી જમણા હાથમાં એક મોટી છરી તથા ડાબા હાથમાં દોરાનું ગળું પકડીને વિકટ મૂર્તિની પેઠે તેના પર છરી ઉગામવા લાગી. દોરા તેથી નહિ ડરતાં ધીરજ અને શાંતિથી તેના મોં તરફ જોઈ રહી, દોરા એક પણ શબ્દ બોલી નહિ ત્યારે ડોશી બોલી કે “હું તને ભય પમાડી શકું છું કે નહિ તે જોતી હતી.” આટલું બોલી તેણે દોરાને છોડી દીધી અને છરી જ્યાંથી લીધી હતી ત્યાં મૂકી દીધી. ત્યારપછી દોરા સાથે કદી પણ ડોશીએ આવું આચરણ કર્યું નહોતું. ઉલટું તેના પર તે ઘણો સ્નેહ બતાવવા લાગી; પરંતુ કોઇ કોઇ વાર દોરાને ભેટ લેવાને હજી આગ્રહ કરતી હતી. અને જ્યારે દોરાએ જાણ્યું કે, ખરેખર ભેટ નહિ લીધાથી ડોશી દુઃખી થાય છે, અને લેવાથી બહુ ખુશ થશે ત્યારે તેના ચિત્તમાં શાંતિ લાવવા માટે એક રાત્રે તેણે તે ભેટ લીધી અને બીજે દિવસે સવારે ડોશી ન જાણે તેમ તેનાં સગાંવહાલાંને સર્વ વસ્તુઓ પાછી આપી દીધી.

એ પછી દોરાને પાછી વાલ્સલની હૉસ્પિટલમાં મોકલવામાં આવી. ત્યારપછી વચમાં વચમાં તેને જૂદા જૂદા સ્થાનમાં કોઇ