પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
પરિશિષ્ટ

કોઇ રોગીની સેવા કરવાને જવું પડતું, પણ હવે તેને વાલ્સલની હૉસ્પિટલના રોગીની સેવા કરવાનો વધારે વખત મળ્યો. અત્યાર સુધી સઘળો કારભાર દોરાને આપવામાં નહોતો આવ્યો તેનું કારણ એ હતું કે, દોરા હૉસ્પિટલના કામમાં જોઈએ તેટલી હોંશિયાર થઈ નહોતી. વળી વાલ્સલની હૉસ્પિટલનું કામ ધીમે ધીમે ઘણું જ ભારે થતું હતું તેથી દોરાના કરતાં વધારે જાણનારી એક વૃદ્ધ ભગિનીને હૉસ્પિટલનો સર્વ કારભાર સોંપવામાં આવ્યો અને દોરા તેની સહકારીતરીકે કામ કરવા લાગી. રોગીની સેવા કરવામાં રોગીની જૂદી જૂદી હાલતમાં જૂદી જૂદી વ્યવસ્થા કરવાની જરૂર જણાય તે વેળા એવી બાબતનું શિક્ષણ તથા અનુભવ જરૂરનાં છે. દોરાની આ બેમાં વિશેષ હોંશિયારી નહિ હોવા છતાં પણ તે પોતાની બુદ્ધિ અને ડહાપણથી એવું કામ કરવા લાગી કે, ડૉક્ટરો તેની કામ કરવાની ચતુરાઈ જોઈને ઘણો સંતોષ પામ્યા. કમિટિના સભાસદો તેને વાલ્સલની હૉસ્પિટલ છોડી બીજી જગ્યાએ જવા દેતા નહોતા. ડિસેમ્બર માસમાં ભગિનીસંપ્રદાયના ઉપરિ તરફથી દોરાને મિડલસબરમાં જવાનો હુકમ આવ્યો ત્યારે કમિટિના સભાસદો અને ડૉક્ટરોએ એકે અવાજે જવાબ દીધો કે, “ભગિની દોરાના વાલ્સલ છોડવાથી આખી હૉસ્પિટલમાં નુકસાન પહોંચશે.” આથી દોરાને બીજે ઠેકાણે મોકલવામાં આવી નહિ.

ડિસેમ્બરના અંતમાં ઇંગ્લઁડના દક્ષિણભાગમાં એક રોગીની સેવા કરવા જવા માટે દોરાને વળી હુકમ મળ્યો. ત્યાં એને થોડાજ દિવસ માટે મોકલવાની હતી. પરંતુ કમિટિના સભાસદોનો તથા ડૉક્ટરોના એનાપર એટલો બધો સદ્‌ભાવ થયો હતો કે એટલા થોડા દિવસ માટે પણ તેને છોડવાને તેઓ રાજી થયા નહિ. તેમણે લખી મોકલ્યું કે, અમે દોરાના જેવી યોગ્ય ભગિની ફરી મેળવી શકીશું નહિ; માટે એને અમે એક દિવસ પણ છોડી શકતા નથી. એ વિષયપર કોયાથામના ભગિની આશ્રમના ઉપરિ સાથે વાદવિવાદ થવા લાગ્યો, પણ તેના નિર્ણય આવવા પહેલાં ખબર મળી કે, દોરાનો બાપ ઘણો માંદો થઈ ગયો છે અને સારા થવાની આશા નથી. તેણે દોરાને મળવા બોલાવી હતી. દોરાએ તરતજ ભગિનીઆશ્રમના ઉ૫રિને તારથી ખબર આપી અને પોતાના પિતાને મળવા જવાની રજા માગી. અનુમતિ મળવાની આશામાં રાહ જોતી તે બેઠી હતી, પણ એવામાં જવાબ આવ્યો કે, તમે ઘેર જઇ શકશો નહિ,