પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
સાધ્વી બહેન દોરા

એક પળનો પણ વિલંબ કર્યા વિના એકદમ ડિવોનશાયરમાં જાઓ. ભગિની દોરાએ પોતેજ ચાહીને જે વ્રત લીધું તે હજારો વિપદ્‌ પડતાં પણ પાર પાડવું એવી એની ઈચ્છા હતી. પોતે સ્વીકારેલા ઉપરિઓની આજ્ઞાને માથે ચઢાવી તેને અનુસરવા લાગી. ડીવોનશાયરમાં પહોંચતાંજ ખબર મળી કે, પિતાનું મૃત્યુ થયું છે. ભગિનીસંપ્રદાયના ઉપરિઓએ આ સાંભળ્યું ત્યારે તેના પિતાની મરણક્રિયામાં જવાની તેને અનુમતિ આપી; પરંતુ દોરા એથી રાજી નહિ થતાં ઘણા દુઃખી હૃદયે લખી માકલ્યું કે “તમે જ્યારે પિતાની જીવિત અવસ્થામાં મુલાકાત કરવાની રજા ન આપી ત્યારે મૃત્યુ પછી પણ તેની મરણ ક્રિયા કરવા હું ઘેર જવાને ઇચ્છતી નથી.” દોરાના ઓળખીતાઓએ પણ એને ઘેર જવા વિશેષ વિનતિ કરી; પરંતુ કોઈ રીતે ઘેર જવાને તે રાજી થઈ નહિ. દોરા વાલ્સલમાં પાછી આવી. આ વેળા તેના અંતરમાં ઘણો આઘાત લાગો હતો, તે ઘણા જ દુઃખી ચિત્તે વાલ્સલની હૉસ્પિટલમાં આવી હતી. કામ કરવાની હવે તેને ઈચ્છાજ થતી નહિ. ભગિની સંપ્રદાયના સ્વાસ્થ્ય ઉપરિના ઉપલા નિર્દય આચરણથી દોરાનું મન બહુજ ખેદ પામ્યું. તે પિતાની ઇચ્છાથી વિરુદ્ધ થઈને ભગિનીસંપ્રદાયમાં જોડાઇ હતી, તેને માટે તેના અંતરમાં ક્ષણકાળને માટે ક્ષોભ ઉત્પન્ન થયો; પરંતુ બુદ્ધિમતી દોરાએ જોયું કે, જો તે એક વાર આ ચિંતામાં ઘેરાઇ તો તેની આ દુર્દશાનો અંત આવશે નહિ. તેણે ધાર્યું કે, માનસિક ચિંતા દૂર કરવાનો ઉત્તમ ઉપાય એજ કે, મનને જરા વાર નવરું ન રહેવા દેતાં હમેશાં કામમાંજ રોકી રાખવું. આ ઉપરથી તે વાત્સલમાં આવી સૌ ચિંતા દૂર મૂકીને બેવડા ઉત્સાહથી કામ કરવા લાગી. હૃદયની પીડા એક કોરે રાખીને તેણે પોતાના શરીર અને મનને ગરીબ લોકોનાં દુઃખ દૂર કરવામાં રોક્યાં. રાતદિવસ અથાગ મહેનત લઈ તે રોગીની સેવા કરવા લાગી. તેણે એક દિવસ વિચાર કર્યો કે, હું વાંચતાંલખતાં શીખી નથી તેમજ અસ્ત્રચિકિત્સા જાણતી નથી તો કેવી રીતે દરદીની સેવા બરાબર કરી શકીશ ? આ વિચાર ઉત્પન્ન થતાંજ તેણે અસ્ત્ર ચિકિત્સા શીખવાનો આરંભ કર્યો. તેની સ્મરણશક્તિ અસાધારણ હતી. એ વિષયનું વૈદ્યક જ્ઞાન પણ સારું હતું. તેથી થોડીજ મુદતમાં સુવિજ્ઞ અસ્ત્રચિકિત્સાનું જોઈતું જ્ઞાન તેણે મેળવ્યું. હવે જખમ તથા પ્રહારની જગ્યાની ખાસિયત સમજવા તે સમર્થ થઈ. વાલ્સલની હૉસ્પિટલમાં