પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬
પરિશિષ્ટ

“જોન ! તારાં વેણ હું માનું છું. હું આનંદમાં ડૂબું છું, કારણ કે એ દારુણ યુદ્ધોમાં હું ઘૂમીશ તો તારીજ સાથે ઘૂમવાનો છું.”

જોન આંખે ચોળતી બોલી “એની તને કેમ ખબર પડી ? ”

જોનના સ્મરણમાં પોતે કહેલી એક પણ વાત નહોતી, તેથી મેં જાણ્યું કે જ્યારે તે વાત કરતી હતી ત્યારે તે સુષુપ્તિમાં હતી. પોતે વાત કરતી હતી, તેની પોતાને જ ખબર નહોતી. હાલ તો તેણે મને બધી વાતો છુપી રાખવા કહ્યું અને મેં મારું વચન પાળ્યું.

××××

જોનની પ્રકૃતિ હવે બદલાઈ ગઈ હતી. તેની વાણી પ્રબળ નિશ્ચયવાળી હતી. તેની આંખોમાં અવનવું તેજ ભભૂકતું હતું. તેની ચાલવાની છટા ભવ્ય અને પ્રૌઢતા દર્શાવનારી હતી. કંઈ પણ ગર્વનું ચિહ્ન દર્શાવ્યા વિના તેનાં સર્વે અંગ અધિકાર અને કાબુની છાયા પાડતાં હતાં. તેની છટા કુદરતી રીતેજ અધિકાર અને સત્તા દર્શાવતી. તેમાં કંઈ પણ કૃત્રિમ નહોતું.

અમારા ગામમાં વસતા અન્ય લોકોની માફક જોન અત્યાર સુધી તો મને મારી સ્થિતિને અનુસરતું માન આપતી; પણ હવે તો એ હુકમ આપતી, અને હું પણ તેને વડીલની આજ્ઞા માફક માની લઈ તાબે થતો. એક સાંજે તેણે મને કહ્યું:—

“પરોઢિયા પહેલાં હું આપણા પ્રાંતના સુબા પાસે જવા ઉપડીશ. કદાચ એ મને હસી કાઢે. એ ભીતિથી મારી સાથે મારા મામાને હું લઈ જઈશ, અને વખતે તારો પણ ખપ પડે–કારણ કે વખતે એ મને મુલાકાતજ આપવા ના પાડે, તો તારી પાસે પત્ર લખાવવો જોઈશે. તું કાલે બપોરે ત્યાં આવજે. તારી જરૂર પડશે તો હું તને બેલાવીશ.”

અહા ! શુ તેની તર્કબુદ્ધિ ! મને તેણે સાથે ન લીધો. મારી નિંદા થાય, એવુંં એણે એક પણ પગલું ન ભર્યુંં. પણ-એક ગરીબ ખેડુતની છોકરી સુબા આગળ અરજદારતરીકે – એ કેટલું કંગાલ દેખાય ! તોપણ જોન ડાહી હતી. તેને ખબર હતી કે, હજી ઘણાં વિઘ્ન નડવાનાં છે.

બપોરે હુ ચાલ્યો, અને શહેરમાં જઈ એક શાન્ત જગ્યામાં ઉતારો લીધો. બીજે દિવસે હું બાદશાહી કિલ્લામાં ગયો, અને ત્યાં મને બપોરે સુબા સાથે જમવાનું આમંત્રણ મળ્યું. સુબો શૂરવીર ચોદ્ધો હતો. યુદ્ધને તે જીવનનું લહાણુ ગણતો. મને લાગ્યું કે