પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વીર સાધ્વી જોન ઑફ આર્ક
૩૯૩

ઉત્તરથી છક્ક થઇ ગયા; અને પોતાની નોંધમાં આ ઉત્તર ઉત્તમમાં ઉત્તમ છે, એમ લખ્યું.

“ઉત્તમમાં ઉત્તમ !” “ઉત્તમમાં ઉત્તમ !” કારણ કે આ ઉત્તર મૃત્યુથી ઘેરાયેલી એક ઓગણીસ વર્ષની બાળાના મુખમાંથી આવ્યો હતો !

(૧૦)

કોશનને લોકો ચાહતા ન હતા, કારણ કે તે દુષ્ટ હતો. જ્યારે તેની હાર થઈ, ત્યારે તેઓ ખુશી થવા લાગ્યા. કોશનને આથી ક્રોધ ચઢતો. હવે જોનને માટે કંઈ ને કંઈ રસ્તો તો કરવોજ જોઈએ. એક પણ રીતે તે ફાવ્યો નહિ, તેથી બળાત્કાર વાપરવાનો તેણે વિચાર કર્યો. નવમી મેને દિવસે તેણે બધી સામગ્રી તૈયાર રાખી. એક ફાંસી દેનારને પણ ઉભો કરવામાં આવ્યો. જોનને ત્યાં લઈ જવામાં આવી. કોશન ક્રોધથી બોલ્યો:–

“બોલી દે છોકરી ! જો, આ સઘળું તારા મોં આગળ છે. સાચું કહે છે કે નહિ ?”

આ ધમકીનો જોને ઉત્તર વાળ્યો. આ જવાબ ઇતિહાસમાં કાયમ રહેશે. જોને કહ્યું:–

“મેં તમને જે જણાવ્યું છે, તેનાથી વધારે હું જણાવીશ નહિ. અરે ! મારાં અવયવે અવયવને વીખી–પીંખી નાખશો તો તે દરદમાં કવચિત્ મારાથી ઉલટું બોલાઈ જશે, પણ તે શબ્દ હું મારા આત્મામાંથી – મારા ખરા દિલથી કહું છું, એમ તમારે કોઈ પણ દિવસ માનવું નહિ.”

કોશને આવા ઉત્તરની સ્વપ્નમાં પણ આશા રાખી નહોતી. તેને મન હતું કે નાની છોકરી કેટલી વાર ટકશે ? નહિ, પણ નહિ, નાની તોપણ તે કોણ હતી ? જોન ઑફ આર્ક !

કોશને ધાર્યું કે, હવે તો હદ વળી. હવે જોન માટે કોઈ બીજો રસ્તો શોધી કાઢવો જોઈએ.

વળી દશ દિવસની મુદત પડી. પારીસનું વિદ્યામંડળ જોનના બાર આરોપો ઉપર વિચાર ચલાવતું હતું.

આ સંશયનો સમય તેના જીવનમાં મૃત્યુ જેવો હતો, પણ આથી વધારે જોનને એક બીજું દુઃખ હતું. કોઈ નાની છોકરી દુઃખમાં હોય તો તેને દિલાસો આપવા કોઈ સ્ત્રી જોઈએ, સ્ત્રીની સોબત સિવાય દુઃખમાં સ્ત્રીને આનંદ મળી શકે નહિ; પણ આ