પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
મહાન સાધ્વીઓ

ધર્મના બધા કઠોર નિયમો તથા વિધિનું એ પાલન કરતાં, ગુરુવારને દિવસે બાર કોઢીઆ માણસોના પગ ધોતાં; ત્યારપછી ભિખારણનો વેશ ધારણ કરીને અતિ દીનભાવે, ઉઘાડે પગે ચાલીને દેવળમાં જતાં. રાત્રિ પડતી ત્યારે દુઃખ ભોગવતી વખતનું ઇસુનુ કોઈ ચિત્ર પોતાની સામે રાખીને ઘૂંટણીએ પડીને ધ્યાન અને પ્રાર્થના કરવામાં સમય ગાળતાં. પવિત્ર શુક્રવાર (ગુડ ફ્રાઈડે)ને દિવસે એ પોતાનાં નોકરચાકરોને કહેતાં કે “આજ બધાંને માટે ખાસ દીનતાનો દિવસ છે. માટે તમારામાંથી કોઈએ પણ આજને દહાડે મારા તરફ સાધારણ સન્માન સુદ્ધાં બતાવવું નહિ. × × ×” ત્યારપછી એ શહેરના મધ્ય ભાગના એક ચોગાનમાં જઈને ચારે તરફ એકઠાં થયેલાં અસંખ્ય ભિખારીઓને દાન આપતાં.”

દુ:ખી અને ગરીબ તરફ આ કરુણામયી નારીનો એટલો બધો પ્રેમ હતો કે તેનું સ્મરણ કર્યાથી પણ વિસ્મય ઉત્પન્ન થાય છે. ઇલિઝાબેથના અંતરમાંથી દયાનું જાણે અખંડ ઝરણું વહ્યા કરતું હતું. એ ઝરણાની ધારા સેંકડો નરનારીનાં તપી રહેલાં હૃદયને શીતળ કરતી. આ ગુણને લીધે એમનું નામ ગરીબોની બેલી પડ્યું હતું.

ઇલિઝાબેથ એ વખતે એક રાજ્યનાં રાણી હતાં, પરંતુ પોતાની પદવીનો કાંઈ પણ વિચાર મનમાં રાખ્યા વગર પ્રસન્નચિત્તે રાજમહેલમાંથી બહાર નીકળીને દરિદ્ર અને પીડિત મનુષ્યોની દેખરેખ રાખતાં. એવા લોકોની ઝુંપડીમાં જાતે જઈને એમના ઉપર પ્રેમ દર્શાવતાં, અને એમનાં દુ:ખની હકીકત સાંભળીને તેમનાં આંસુ લૂછતાં પણ સંકોચાતાં નહિ. દુઃખીઓની સેવા કરવાથી તેમના ચિત્તને શાંતિ વળતી તેવી બીજા કશાથી થતી નહિ. ઇલિઝાબેથ ફક્ત તેમના દેહની સેવા કરતાં એમ નહોતું. એ બધાં નરનારીઓના કલ્યાણ માટે તેમની આગળ ઇસુના જીવનની કથા સરળ ભાષામાં કહેતાં હતાં. ઇલિઝાબેથ કોઈ કોઈ વખત પોતાના મહેલમાંથી ભોજન બનાવીને ગરીબ લોકોને ઘેર પહોંચતાં. કોઢના રોગથી પીડાતા લોકોનું નામ સાંભળીને આપણને તો ભય લાગે છે. રખે એમનો પડછાયો પણ આપણને અડકે અને એમના ચેપ આપણને લાગી જાય, એ ભયથી આપણે સંકોચના માર્યા એમનાથી દૂર નાસીએ છીએ; પરંતુ આ રાણી સ્નેહપૂર્ણ હૃદયે કોઢિયા માણસોની પાસે જઈને બેસતાં. તેમનાં સુમધુર ધીરજનાં વચનોથી એ હતભાગી મનુષ્યોનાં સળગતાં હૈયાં પણ શાંત થતાં. સ્નેહમયી