પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
સાધ્વી ઇલિઝાબેથ

“મહારાજ ! આ રાજ્યના યોદ્ધાઓના એક દળના આગ્રહથી મારે આપની સન્મુખ આવવું પડ્યું છે. એમના વિચારો આપની આગળ દર્શાવવાનો ભાર મને સોંપાયો છે; માટે હું તે આપની આગળ નિવેદન કરું છું. અમે આપની વિરુદ્ધ કેટલાક ગંભીર આરોપોની વાત સાંભળીને, દુઃખ અને શોકથી મરવા જેવા થઈ ગયા છીએ. એક રાજા શું ખરેખર આવો અધર્મી અને વિશ્વાસઘાતી થઈ શકે ? આપે કયા લોકોની સલાહથી આવાં અન્યાયી કામો કરવાની હિંમત કરી છે ? એક સુપ્રસિદ્ધ રાજાની કન્યા આપનાં ભાભી થાય છે. તેમના પ્રત્યે સન્માન દર્શાવવું તથા તેમને દુઃખના વખતમાં દિલાસો આપવો એ શું આપની ફરજ નહોતી ? એવું ન કરતાં આપે એક પતિત સ્ત્રીની પેઠે એમનું અપમાન કરીને, તેમના મહેલમાંથી કાઢી મૂક્યાં છે. આજ એ વિધવા નારીને રહેવા ઘર નથી, પાસે ફૂટી બદામ નથી, માનમર્યાદા કાંઈ નથી, એ રસ્તાની ભિખારણ છે. આપના જે ભાઇએ ઈશ્વરના કામ સારૂ પ્રાણ આપ્યો છે, તેમનાં અનાથ બાળકોની દેખરેખ રાખવાનો ધર્મ શું આપના ઉપર નહોતો આવી પડ્યો ? તેમનું પાલન કરવાની વાત તો દૂર રહી, પણ ઉલટું તમે એમનાં નિરાધાર બાળકોને એમના રાજમહેલમાંથી કાઢી મૂક્યાં છે. આપે શું આપના પુણ્યવાન ભાઈ પાસેથી આવુંજ શિક્ષણ મેળવ્યું છે ? આપના ભાઈ તો એમની અતિ દરિદ્ર હીન પ્રજાપ્રત્યે પણ આવું નિષ્ઠુર આચરણ કરતા નહોતા. અમે ભવિષ્યમાં આપના કર્તવ્યપાલન અને અભય વચનો ઉપર કેવી રીતે આસ્થા મૂકીએ ! આપ તો એક યોદ્ધા છો, વિધવા અને અનાથોનું રક્ષણ કરવું એ તો યોદ્ધાનો ખાસ ધર્મ છે. એ ધર્મને વિસરી જઈને આપે શું એ સાધ્વી ભાભી તથા સાધુચરિત ભાઈનાં સંતાનો ઉપર અત્યાચાર નથી કર્યો ? આપનું એ આચરણ શું ધિક્કારવા યોગ્ય અને બદલો લેવા યોગ્ય નથી ?”

હૃદય ભરાઈ આવવાથી લૉર્ડ વેરિલાના મુખમાંથી એથી વધારે વાક્યો નીકળ્યાં નહિ. રાજમાતા સોફિયા પણ હવે દુઃખ અને શોકથી રડવા લાગ્યાં. રાજા હેન્રીનું રાજમુકુટથી શોભતું, અભિમાની મસ્તક લજ્જાથી નીચું નમી ગયું. લૉર્ડ વેરિલાએ ફરીથી અગ્નિમય ભાષામાં બોલવાનો આરંભ કર્યો “એક તૂટેલા નિરાશ હૃદયવાળી અને સહાયહીન વિધવા તરફથી આપને શી વાતની