પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
મહાન સાધ્વીઓ

જ આ સાધ્વીજીનું રૂપ લઈને પૃથ્વીમાં ઉતરી આવ્યો છે. એ સમયમાં પાદરી કોનરાદ મારબાર્ગમાંજ વાસ કરતા હતા, તેમણે કહ્યું છે કે “ઇલિઝાબેથ નિર્જનમાં ઈશ્વરની સાથે વાસ કરતાં, તેની સાથે વાતચીત કરતાં. ત્યારપછી એ જ્યારે અમારી આગળ આવતાં, ત્યારે એમની અનુપમ મૂર્તિમાં અલૌકિક જ્યોતિ જણાતી.

એ સમયમાં એ મહાન સાધ્વીજી સમાધિમાં મગ્ન રહેતાં. તેમની સમાધિ અવસ્થામાં જે બનાવો બનતા. તે સંબંધમાં એક બનાવનું વિવરણ અહીં લખીશુ. એક દિવસ ઇલિઝાબેથ રસોઈ કરતાં કરતાં ઈશ્વરનું ચિંતન કરતાં હતાં, ત્યારે ધ્યાનમાં તદ્દન નિમગ્ન થઈને બધું બાહ્ય ભાન ભૂલી ગયાં. એટલામાં સઘડીની આગથી એમનું લૂગડું સળગી ઉઠયું. એમને એ વાતની કાંઈ પણ ખબર રહી નહિ; બહારના લોકો કપડું બળવાની ગંધથી ત્યાં દોડી આવ્યા અને તેમના ઘરમાં પ્રવેશ કરીને એ આગને બુઝાવી દીધી. એ મહાન સાધ્વીજી એ વખતે આંખ ચોળતાં ઉઠયાં, ત્યારેજ સમાધિદશામાં શો અકસ્માત બન્યો હતો, તેની ખબર તેમને પડી.

ઇલિઝાબેથે એક ઇસ્પિતાલ ઉઘાડી હતી. ત્યાં રોગીઓની સેવા કરવામાં એમનો ઘણો વખત જતો. પીડિત લેાકો તેમના મધુર સ્નેહથી મુગ્ધ થઈ જઈને તેમને જનની સમાન ગણતા. તેમણે કોઢ અને રક્તપિત્તના પુષ્કળ રોગીઓની સેવા કરી હતી. એ ચેપી રોગીઓની સેવા કરતાં એમના મનમાં જરા પણ ભય કે ઘ્રુણા ઉપજતાં નહિ. એક વાર એક નાની વયના બાળકને કોઢનો રોગ થયો. તેનાં સગાંવહાલાંઓએ તેનો ત્યાગ કર્યો. ઇલિઝાબેથે એ બાળકનું ઓશિયાળું મુખ જોઈને તેની ઉપર માતાના જેવો સ્નેહ દર્શાવવા માંડયો. એ બાળકને ચેપી રોગ હોવાથી તેને પોતાની ઇસ્પિતાલમાં તો રખાય નહિ, તેથી એને પોતાને ઘેર રાખીને માવજત કરવા માંડી. ઇલિઝાબેથના જીવનના આવા પ્રસંગો ઉપરથી એમ લાગે છે કે, ઈશ્વરે જાણે નવનીતની કોમળતા, કુસુમની પવિત્રતા અને બાળકની સરળતા વડે એમનું હદય ઘડયું હતું. ‘ઇલિઝાબેથ’ ગ્રંથના લેખક આ પુણ્યશીલા નારીની સેવા અને સાધના વિશે લખે છે કેઃ-

“એ આખો દિવસ દીનદુઃખીઓની સેવાદ્વારાજ પ્રભુની પૂજા કરતાં, અને રાત્રે આખા દિવસના થાકની પરવા ન કરતાં, પોતાના પ્રભુની આગળ ઘું ટણીએ પડીને, કલાકના કલાકસુધી ઉપાસના