પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
મહાન સાધ્વીઓ

કરી દઈએ છીએ. સાંભળ્યા છતાં પણ તેના ઉપર વિશ્વાસ કરતા નથી, વિશ્વાસ કરીએ છીએ તો તે પ્રમાણે વર્તતા નથી. પરંતુ સાચા જ્ઞાની અને પ્રભુ પ્રેમી મનુષ્ય જીવનની એ મહાન વાણી સાંભળીને તે પ્રમાણે ચાલે છે અને પરમાત્માના સાક્ષાત્કારરૂપી યુગ સાધીને કૃતાર્થ થાય છે.

કેથેરિન પ્રેમમયી સાધ્વી હતાં. પરમભકતોની વાણી તેમના કર્ણ માં પ્રવેશ કરી ચૂકી હતી, તેમનું ચિત્ત એ અસીમ સુંદર પ્રભુના પ્રેમ માટે અધીરૂં થઈ ગયું હતું. એટલે તેમના પ્રેમમય પરમાત્મદેવને પ્રાપ્ત કરવા સારૂ એમણે દિવસના દિવસ, મહિનાના મહિના અને વર્ષોનાં વર્ષ સુધી તપસ્યા કરવા માંડી. ત્યારપછી એ સાધ્વી નારીએ સત્ય સુંદર પરમ પુરુષને સ્વામીરૂપે પેાતાના હૃદયમાં વરી લીધા. ઈ. સ. ૧૩૬૭ પછી તેમના એ આધ્યાત્મિક વિવાહ થયો. હવે ઈશ્વરજ તેમનું સર્વસ્વ થઈ રહ્યા. સદાનું મહાન સતીત્વ પ્રાપ્ત કરવા માટે તેમણે પવિત્ર ચિત્તે ઈશ્વરનીજ મધુરી પ્રેમમય મૂર્તિનું ધ્યાન ધરવા માંડયું. છેવટે એ ભાગ્યશાળી સાધ્વીએ રોગની ગંભીર અવસ્થા પ્રાપ્ત કરી. એ સમયે એ ઇશ્વરની સાથે ગાઢો યોગ સાધીને બાહ્ય ચેતનાથી રહિત થઈ જતાં. રેવરંડ એળ્બાન બટલર સાધુઓનાં જીવનચરિત્ર ગ્રંથમાં લખે છે કેઃ-

"પ્રાર્થનાજ તેમની તૃષાનું જળ હતું. સર્વશક્તિમાનની સાથે યોગ સાધવાથી આત્માનું રહસ્યદ્વાર તેમની આગળ ઉઘડી ગયું હતું. તેમનામાં એવી આધ્યાત્મિક શક્તિ આવી હતી કે, તેમને મુખેથી મુક્તિની ગૂઢ કથા શ્રવણ કરવાથી શ્રેતાજનોનાં ચિત્ત સ્થિર થઈ જતાં. તેમના ઉપદેશો ગ્રંથાકારમાં પ્રગટ થયા છે. તેમનું આખું જીવન એક અલૌકિક વ્યાપાર હતો; પરંતુ સાધુઓ તેમની ધ્યાનપરાયણતાની ઘણી પ્રશંસા કરતા. ઘણાં મોટાં મોટાં કામમાં રોકાવા છતાં પણ એમાંના ઘણો ખરો સમય એમનો અંતરાત્મા ઈશ્વરધ્યાનમાં મગ્ન રહેતો. તેમણે ઘણાં વર્ષ સુધી તે પ્રભુના નૈવેદ્યમાંથી એકાદ ટુકડો ખાઇનેજ જીવન ધારણ કર્યુ હતુ. ઘણા લોકો તેમની વિરુદ્ધ મિથ્યા કુથલી કરતા હતા; પરંતુ એમાં પણ એ આનંદ અનુભવતાં. કોઈ પણ દુઃખ તેમને વેદના આપી શકતું નહિ. એક વખત એમણે એક ચમત્કારિક સ્વપ્ન દીઠું હતું. સ્વપ્નમાં ઈસુ ખ્રિસ્ત જાતે બે હાથમાં બે મુકુટ લઈને ઉભા હતા. એમાંનો એક મુકુટ સુવર્ણનો હતો અને બીજો કાંટાનો હતો.