પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
સાધ્વી કેથેરિન

સ્થાનમાં તેનું મૃત્યુ થવાનું હતું તે સ્થાનને એ પુણ્યભૂમિ ગણતા હતા. તેણે કહ્યું ‘હું આનંદપૂર્વક વધસ્થાન તરફ જઈશ.’ એ ઇશ્વરની કરુણા અને મંગળભાવ સંબધી એ અતિ ચમત્કારી વાતો કહેવા લાગ્યો. તેની એ વાત સાંભળીને હૃદય પીગળી જતું હતું. x x જે લાકડા ઉપર યુવકને ફાંસી દેવામાં આવનાર હતી, તેના ઉપર પહેલાં મેં મારું માથુ ટેકવ્યું. મને એવી ઈચ્છા થતી કે યુવકને બદલે મારીજ હત્યા કરવામાં આવે તો સારું. પરંતુ મારી એ ઈચ્છા કેવી રીતે પૂર્ણ થાય ! કેમકે ખરું જોતાં તો મારા મનમાં ત્યાગનો અહંકાર છુપાઈ રહ્યો હતો. મેં પ્રાર્થના કરવા માંડી કે ‘હે ઈશ્વર ! આ યુવકને પ્રકાશ અને શાંતિ આપો, કે જેથી તે તમારા અલૌકિક સ્વર્ગમાં જઈ પહોંચે.’ વધસ્થળે પુષ્કળ મેદની જામી હતી. પરંતુ હું એ યુવક સિવાય બીજા કોઈને જોઈ શકી નહિ. હું તેનું સુંદર મુખ જોઇ રહી હતી. એને શાંત ઘેટાની પેઠે ધીમે ધીમે વધસ્થળે લાવવામાં આવ્યો. મને જોતાંજ પાછો તેનો ચહેરો હસમુખો થઈ ગયો. મે કહ્યું ‘પ્રિય ભાઈ ! હવે તું તારું મસ્તક નીચે નમાવ. તું તારા અનંત જીવનને બારણે આવી પહોંચ્યો છે, તૈયાર થઇ જા.’ યુવક ઢળી પડ્યો. મેં તેનું માથુ ફાંસીના લાકડા ઉપર ટેકવ્યું અને ઈસુની મૃત્યુકથાનું તેને સ્મરણ કરાવ્યું. ‘ઈશ્વર’ અને ‘કેથેરિન’ એ બે શબ્દો તેના મુખમાંથી નીકળ્યા. ‘તારી ઇચ્છા પૂર્ણ થજો’ એ વચનો બોલીને મેં મારાં નયનો મીંચી દીધાં. ત્યારપછી યુવકનું છેદાયલું મસ્તક મારા હાથ ઉપર આવીને પડ્યું.”

રાજદંડથી દંડિત એક ધર્મદ્રોહી યુવકના અંતરમાં ફાંસીની સજા ભોગવવા પહેલાં જે સાધ્વી ધર્મવિશ્વાસ ઉત્પન્ન કરી શકે, આશા અને આનંદનો વિકાસ કરી શકે અને તેની શાંતિ તથા મુક્તિને સારૂ પોતાના હૃદયનો બધો પ્રેમ ઠાલવી શકે તે સાધ્વી સામાન્ય મનુષ્યોથી કેટલે ઉંચે દરજ્જે ચઢેલી હશે, તેનો નિર્ણય કોણ કરશે ?

(૫)

તપસ્વિની કેથેરિનની સેવાનો ફરી ફરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પરંતુ કોઢી અને ચેપી રોગવાળા મનુષ્યોની સેવા તેમણે કેવા પ્રકારે કરી છે તે કહેવામાં નથી આવ્યું. એ સેવાની કથા અતિ ચિત્તાકર્ષક છે. એ સાંભળવાથી આંખમાંથી આંસુ ઝરવા