પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
સાધ્વી કેથેરિન

યથાયોગ્ય સુંદરરૂપે વર્ણવી શકીશું નહિ. એમના વિસ્તૃત જીવનચરિત્રના પુસ્તકમાંની બધી વાત અમે આ ગ્રંથનાં થોડાંક પાનાંઓમાં કેવી રીતે સમાવી શકીએ ? માટે આ લેખમાં સાધ્વી ટેરેસાનાં કાર્યોને સંક્ષેપમાં ઉલ્લેખ કરીને તેમના ધર્મજીવનની કથા જરા ખુલાસાથી લખવા યત્ન કરીશુ.

ટેરેસાએ ઈ. સ. ૧૫૧૫ માં માર્ચ માસની ૨૮ મી તારીખે સૂર્યોદયસમયે સ્પેન દેશના એવિલા નગરમાં જન્મ લીધો હતો. ટેરેસા શબ્દનો અર્થ ‘આશ્ચર્યજનક’ થાય છે. ટેરેસાનો પિતા ડી. સેપેડા એક પ્રદેશના રાજવંશમાં જન્મ્યો હતો. એમનાં માતાનું નામ બિયાટ્રિસ હતું. એ પરમ સુંદર અને ધાર્મિક સ્ત્રી હતાં. ટેરેસાના પિતૃકુળ તથા મોસાળમાં અનેક વીરપુરુષો થઇ ગયા હતા. એમના પિતા યુદ્ધને ગૌરવનો વિષય ગણતા હતા, એટલે સુધી કે ટેરેસાના સ્વભાવમાં પણ યુદ્ધ કરવાનો ભાવ રહેલો હતો. રણભૂમિમાં યુદ્ધ કરવાનો પ્રસંગ તેમને નહિ આવ્યો હોય, પરંતુ જીવનમાં ધર્મસંગ્રામ આવતાં તેઓ સાહસી સૈનિકની પેઠે એ યુદ્ધમાં ઝંપલાવતાં અને જય મેળવતાં. ટેરેસાએ કાર્મેલાઈટ ધર્મસંપ્રદાયમાં સુધારો કરવા જતાં પોતાના પ્રતિપક્ષીઓ સાથે જે સંગ્રામ કર્યો હતો, તે તેમના પૂર્વજોએ મૂર લોકો સાથે કરેલા યુદ્ધને અનુરૂપજ હતો. પરંતુ એ બંને યુદ્ધમાં ભેદ એ હતો કે, એમણે મનુષ્યના રક્તથી પૃથ્વીને રંગ્યા વગરજ સ્વદેશનું પુષ્કળ કલ્યાણ કર્યું હતું.

ટેરેસાને સાત ભાઈ અને બે બહેન હતાં. એમના પિતા અતિશય તેજસ્વી અને સદાચારી પુરુષ હતા. તેમના પિતાવિષે ટેરેસાએ જાતે લખ્યું છે કે “મારા પિતાજીનો સ્વભાવ ઘણોજ દૃઢ હતો; છતાં તે લાગણીવાળા અને દયાળું પણ બહુ હતા. એમના પુસ્તકાલયમાં ધર્મસંબંધી ગ્રંથો પુષ્કળ હતા. એ બધાં પુસ્તકો વાંચવાને પિતા અમને ઉત્સાહ આપતા. એમની ઉદારતા પણ વધારે હતી. નોકરચાકરો ઉપર એ અતિશય સ્નેહ રાખતા. એમણે પિતાના ભાઇના નોકરને પેટના છોકરાની પેઠે ઉછેરીને મોટો કર્યો હતો. મારા પિતા કદાપિ કોઇની સ્વતંત્રતામાં હાથ ઘાલતા નહિ. કોઈની નિંદા તથા વાતવાતમાં સોગન ખાવા, એ બે વાતો એમને અસહ્ય થઈ પડતી.”

ટેરેસાએ આ ટુંકા વર્ણનથી પોતાના પિતાના જીવનની એક