પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


મહાત્માજીની વાતો.

સત્યવાન
અને
શિવદયાળની વાત.

પ્રકરણ ૧ લું.

“આ સંસારમાં સત્ય સિવાય બીજો કોઇ ધર્મ નથી. જેઓ લાલચોને વશ થઈ સત્ય ચુકે છે તે કદી સુખી હોતા નથી. દુનિયાની નજરે તેઓ અનેક પ્રકારની મોજમાણતા જણાય છે, પણ અંદરથી તો તેમનુ દુઃખ તેઓ જ જાણે છે, વળી દુનિયાની મોજમાં તો ચાર દીનની ચાંદનીની જેમ નાશ પામી જાય છે. ત્યારે તેમનાં દુઃખનો પાર રહેતો નથી. લાખો માણસ અસત્ય માર્ગે ચાલીને દુઃખી થાય છે તોપણ કોઇક જ સત્ય રસ્તે ચાલવાની હોંસ કરે છે. જે સત્ય રસ્તો પકડે છે તે સુખી છે. એવા સત્યવાનનાં દર્શન થવાં એ પણ ચઢતા નશીબની નિશાની છે.

“બાપા મને એવા સત્યવાનનાં દર્શન ન થાય?” શિવદયાલે પોતાના પિતા શાંતિલાલને પૂછ્યું. શાંતિલાલ રોજ સાંજે પોતાના પુત્રને ધર્મની બાબતો સમજાવતા, અને તેનું વર્તન તેમાં બરોબર રહે એ બાબત પૂરતું ધ્યાન આપતા. દીકરાના સવાલથી ખુશી થઈ તેણે જવાબ આપ્યો કે “થઈ શકે, દીકરા ! ભાગ્યમાં હોય તો.”

“પણ એ ક્યાં મળે, બાપા ” દીકરે ફરી પ્રશ્ન પૂછ્યો.