પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
માહાત્માજીની વાતો

એ ઠીક, પરંતુ મનુષ્ય પોતાની દ્રઢ ઇચ્છાથી બધુ શીખી શકે છે.”

“બીજા કરે છે તેમ હું પણ કરીશ ” દેવદુતે કહ્યું:

“ભાઇ દેવદુત તું તારી કોઇ પણ હકીકત કહેતો નથી એ તારી મરજી, પરંતુ તારો જાત નીભાવવા માટે—તારી જીંદગીના સાધન મેળવવા માટે તારે કમાવું જોઇશે. હું જેમ બતાવીશ એમ તું કામ કરશે તો હું તને મારે ત્યાંજ રાખીશ.”

“ઇશ્વર તમને તેનો બદલો આપશે હું કામ કરીશ. મારે શું કરવું તે મને બતાવો.”

નથુએ દોરી લીધી અને પોતાની આંગળી વચ્ચે રાખી મીણ કેમ લગાડવું તે બતાવ્યું. દેવદુત અત્યંત ચાલાક માણસ હતો. કોઈ પણ કાર્ય તેને એક વખત બતાવ્યું કે તે તરતજ ધ્યાનમાં લઇ શીખી જતો હતો. નથુએ તેને જોડાનાં તળીયાં કેમ શીવવાં, ચુકો કેમ મારવી, વિગેરે બતાવ્યું, અને દેવદુત તે તરતજ શીખી ગયો. ત્રણ દિવસમાં તો એક હુશીયાર મોચીની સાથે હરીફાઇ કરી શકે એટલું તેને આવડી ગયું. નથુ તેની ચાલાકી જોઇ અત્યંત રાજી થયો. હવે દેવદુત આરામ લીધા સિવાય અત્યંત ઉલટથી કામ કરવા લાગ્યો, એને ખાવાનું પણ તદ્દન થોડુંજ જોઈતું હતું. જ્યારે કામ ખલાસ થતું કે તદ્દન શાંત થઈ બેસતો અને આકાશ તરફ જોયા કરતો. તે કવચીત્ જ ઘરમાંથી બહાર રસ્તા ઉપર નીકળ્યા હશે. જરૂર હોય તેનાથો કદી વધુ વાત કરી નથી. કદી હસ્યો પણ નથી, કે કદી કોઈની મશ્કરી કરી નથી. નથુ અને તેની સ્ત્રીએ ફક્ત તેને એકજ વખતે હસ્તો જોયો; અને તે જ્યારે પહેલવહેલે દિવસે નથુ સાથે રાતના આવ્યો અને તેની સ્ત્રીએ જ્યારે પ્રથમ ખાવાનું આપ્યું ત્યારેજ.