પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
માણસાઈના દીવા
 

ગયા, ત્યારે મહારાજે કહ્યું : "એને શીદ વારો છો ! એને એનો ગુસ્સો મારા પર ઠાલવી લેવા દો. એને મારું આચરણ અઘટિત લાગે છે, તો મને દંડવાનો એનો હક છે."

બીજા અનેક સારા સારા લોકોએ કહ્યું : "તમે ! - તમે, મહારાજ, કેમ આમાં પડો છો ? નીકળી જાવ. આ તો કોંગ્રેસશત્રુ પાટણવાડિયા છે, નત્યના ચોર-ડાકુ છે, આવું ભયંકર ખૂન કરનારા છે. એને બચાવવા શીદ ફરો છો ?"

મહારાજ જવાબ દેતા કે "તમારા કોઈ સ્વજન પર આવું સંકટ આવ્યું હોત અને એને આવી સજા થઈ હોત, તો તમે એને છોડાવવા જાત કે નહીં ? તેમ આ પણ ગમે તેવાં તોય મારાં સ્વજનો છે. હું એમનો બચાવ કર્યા વિના રહી ન શકું."

[૪]

વરિષ્ઠ અદાલતમાં 'અપીલ' ચાલવાનો દિવસ ધીરે ધીરે નજીક આવતો હતો. વકીલો રોકવામાં આવ્યા હતા. બચાવના મુદ્દા પકડાતા હતા. વડોદરાના વકીલ-મંડળમાં આ નિર્દોષ પર રચાયેલું કૌભાંડ જબરું મંથન જગાવી રહ્યું હતું. તે વખતે ગુજરાતમાં બેઠા બેઠા મહાત્માજી લડત વખતની ખાલસા થયેલી જમીન પાછી મેળવવા પ્રયત્ન કરતા હતા. સરકાર પાસેથી એ જમીનો રાખી લેનારાઓની નામાવલિમાં એક નામ નજરે ચડ્યું : વડદલાનો પાટણવાડિયો વાઘલો. મહાદેવભાઈએ પૂછ્યું : "આ શું એ જ વાઘલો કે જેને ફાંસીની ટીપ પડી છે ?"

"હા, એ જ."

"ત્યારે તો, રવિશંકર મહારાજ." મહાદેવભાઈ બોલ્યા : "તમે એની કને જેલમાં જશો ? એ રાજીખુશીથી જમીન પાછી આપે છે એવું લખાવી લાવશો ?"

"અત્યારે !" મહારાજનો શ્વાસ ઊંડો ઊતર્યો.

પાટીદારની જમીન પાટણવાડિયે રાખેલી : રાખનારને મોતના