પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
માણસાઈના દીવા
 

જ સાત બચી આવેલા પાટણવાડિયાને જોયા, એટલે ...ભાઈ મોં ફેરવીને આડું જોઈ ગયા.

“...ભઈ !” મહારાજે કહ્યું : "મારો કાંઈ વાંક હોય તો હું તમારી માફી માગું છું ને આ બધા પણ માફી માગે છે.”

જવાબમાં ...ભાઈએ હરફ તો ન કાઢ્યો, સામે પણ ન જોયું. થોડી વાર વાટ જોઈને આઠેય જણ નીચે ઊતરી ગયા.

[૮]

તે પછી એક દિવસ મહીસાગર-કાંઠાનાં કોતરોમાં રવિશંકર મહારાજ એકલા ચાલ્યા જતા હતા. એમાં છેટેથી બૂમો સંભળાઈ : "એ ઊભા રહો, ઊભા રહો.”

બે આદમી દોડ્યા આવે છે. મહારાજ થંભ્યા. બે હથિયારબંધ પાટણવાડિયા આવી પહોંચ્યા. એમાંથી એકે પોતાના માથા પરથી ફાળિયું ભોંય પર નાખ્યું, ને મહારાજને કહ્યું : "મહારાજ, આના પર બેસો.”

“શું છે, અલ્યા ! કહે ને !”

“પછી કહું એક વાર તમે આના પર બેસો. વાત કહેવી છે.”

“બોલ, શી વાત છે ?” બેસતાં બેસતાં મહારાજે ઓળખ્યો : ગુનો કરીને નાસતો ફરતો એ એક જુવાન હતો એની પાછળ 'વારંટ' હતું.

“વાત એ છે કે, અમે પેલાનું ડોકું ઉડાવી દઈશું.” જુવાન ઉશ્કેરાઈને બોલ્યો.

“કોનું ડોકું ?”

“પેલા ...ભઈનું, વડદલાવાળાનું.”

“શાથી ?”

“એ ગાળો ભાંડે છે.”

“કોને ?”

“તમને. અમારાથી એ નહીં સહેવાય. અમારા સાંભળતાં તમને ગાળો ભાંડે છે. ડોકું ઉડાવી દઈશું !”

“લે બેસ, બેસ ! ડોકું ઉડાવવાવાળો ના જોયો હોય તો ! મને ગાળો