પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૨]
માણસાઈના દીવા
 

જો આ કથાઓ આલેખું તો તેમાં મારું પ્રયોજન, તમે બેશક એક મુખ્ય પાત્ર તરીકે એમાં જેટલા અનિવાર્ય છો તેટલા પૂરતા જ તમને જાળવી લઈને, આ પ્રજાના જીવનને રજૂ કરવાનું છે, ને મેં આજ સુધી એ જ કર્યું છે. મારો રસ વ્યક્તિપૂજામાં નથી."

મારા સંકલ્પની પ્રમાણિકતા મહારાજના દિલમાં વસી ગઈ. મને આશા છે કે આ સમસ્ત આલેખનમાંથી મારો એ આશય સ્વચ્છ થશે. કથનમાં હું મહારાજની જ કહેણીને, શક્ય હતું તેટલા પ્રમાણમાં, વફાદાર રહ્યો છું. તળપદા ભાષા-પ્રયોગોને પણ મેં પકડવા યત્ન કર્યો છે. સંવાદો ને વાર્તાલાપો મહારાજનાં છે. મારી શિલ્પકલાને એમનાં ચિત્રોને માથે લાદી ન દેવાય તેની કાળજી રાખી છે.

‘ઊર્મિ’ માસિકમાં આઠેક મહિનાથી આ પ્રસંગો પ્રગટ થાય છે. કેટલાય સાહિત્યકાર-બંધુઓના પ્રશસ્તિપૂર્ણ કાગળ આવ્યાં છે. અન્ય વાચકોની તારીફ પણ મારા સુધી પહોંચી છે. એમાં એવો પણ એક સૂર ઉઠ્યો છે કે, 'સૌરાષ્ટ્રની રસધાર' અને 'બહારવટિયા'માં જે જમાવટ થઈ છે તે એમાં નથી. નથીસ્તો ! પ્રયોજન જ એ જમાવટથી વેગળા રહેવાનું હતું. મેં ધાર્યું હોત તો આ પ્રસંગોને ભભકાવવાની કંઈ મુશ્કેલી નહોતી. પણ તો એનું દસ્તાવેજી મૂલ્ય ન રહેત ને ! તો એ મારી પોતાની કૃતિઓ ગણાઈને મારે માટે થોડાં વધુ વખાણ મેળવી આપત; પણ મારા મુખ્ય ધ્યેયને મારી જ નાખત.

મારું મુખ્ય ધ્યેય આને દસ્તાવેજની મહત્તા આપવાનું છે. એ દસ્તાવેજ જ છે - બનેલી ઘટનાનો; લોકમાનસનો, જનતાના મનોવિશ્લેષણોનો અને જનતાની ભાષાનો લેખકે કેવળ માધ્યમરૂપે જ પોતાની મર્યાદાનું પાલન કર્યું છે. માનસશાસ્ત્રનાં, માનવવંશશાસ્ત્રનાં, જાતિઓ અને કોમોનાં અભ્યાસ-અવલોકનનું જેઓને કંઈ મૂલ્ય હોય તેવાંઓને આ મહારાજની કહેલી કથાઓ સાદર કરું છું. ગુજરાતનાં જે ખમીરવંતાં સંતાનો ચોર લૂંટારા ને ખૂનીઓમાં ખાનામાં પડીને સરકારી જેલ અગર પોલીસ કચેરીને રજિસ્ટરે પુરાઈ રહેલ છે, તેમનામાં વસેલી માણસાઈનો આ દસ્તાવેજી પરિચય છે. માણસાઈના દીવા જીવતા માનવોમાંથી કેમ અને ક્યારે ને કેવી રીતે અધોગતિને પામે છે, અને અકસ્માત્ એ રામ