પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નમું નમું તસ્કરના પતિને !
૯૩
 

જ અમારે ભાગે રહે છે."

મહારાજ સડક બન્યા અને ગંભીર ભાવે ફૂલાની સામે તાકી રહ્યા. ફૂલાએ આગળ કહેવું ચાલુ રાખ્યું:

"સાંભળો, મહારાજ! એક દા'ડો રાતે હું પાર ચોરી કરવા ગયો. ('પાર' એટલે નદીના સામા કિનારા પારને કોઈ ગામડે.) એક ઘરમાં પેસી મજૂસ તોડી ઘરેણાંની મેં પોટલી બાંધી, ત્યાં તો બાઈ જાગી પડી. એના મોંમાંથી ચીસ ઊઠી. મેં કેડ્યેથી છરો કાઢીને એને બતાવ્યો, એટલે એની ચીસ અરધેથી રૂંધાઈ ગઈ. ઊભી ઊભી એ ચૂપ થઈ ગઈ. મને એ વખતે કોણ જાણે શું થયું, પણ મહારાજ, મેં તો બાંધેલી પોટલી છોડી નાખીને એમાંથી એક પછી એક ઘરેણું લઈ લઈને બાઈની છાતી માથે ફેંકવા માંડ્યું. આખી પોટલી ખલાસ કરીને હું બહાર નીકળી ગયો, ને મેં મારી જાતને કહ્યું કે, 'ફૂલિયા! મારા હાહરા! એ લક્ષ્મી તે એની જ હશે. એણે પોકાર કર્યો જ નહિ હોય. તેં ખોટું સાંભળ્યું! તું ઘર ભૂલ્યો, ફૂલીયા! મારા હાહરા!' આમ મહારાજ, અમારા તો પગ જ કહી આપે. હકની લક્ષ્મી હોય એને ત્યાં તો અમારા પગ ન જાય. અમને તો ઈશ્વરે મેલ કાઢવા જ સરજ્યા છે. જેમ સુતારને, લુહારને અને ભંગીને સરજ્યા છે, એમ અમને સરજ્યા છે. તેમ છતાં, તમે કહેતા હો તો, હું ચોરી છોડી દઉં."

ફૂલાનું બોલવું પૂરું થયું ત્યારે, મહારાજ કહે છે કે, મને યજુર્વેદનો આ શ્લોક યાદ આવ્યો"

स्तेनेभ्यो नमः। तस्करेभ्यो नमां।
तस्कराणं पतये नमः।

ચોરોને નમન હો! તસ્કરોને નમન હો! નમન હો તસ્કરોના સ્વામીને!

[ 5 ]

ફૂલા વાવેચાની સ્મૃતિથી સ્નિગ્ધ બની જતા મહારાજ પાસેથી જાણવા મળ્યું છે કે ફૂલાએ તે દિવસથી ચોરી છોડી દીધી. પણ એનું