પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
માણસાઈના દીવા
 

કેમ જોવાય ? એ પકડાય, પોલીસ અમારે ઘેર આવે, લબાચા ચૂંથે, એને બાંધીને મારતા મારતા લઈ જાય ... એવું એ મારાથી ન જોવાય - મારે નથી આવવું સાસરે."

ચોરી કરવી એ પાપ કે અનીતિ છે એવી કંઈ પાટણવાડિયાની પુત્રી જીવીને ખબર નહોતી. પાપ અને પુણ્યના ભેદ એનાથી અળગા ને અજાણ્યા હતા. ચોરીમાં પાવરધા પુરુષની તો પાટણવાડિયા કોમમાં ઊંચી આબરૂ ગણાય છે, તેની પણ એને જાણ હતી. ચોરીનો કરનારો તો ભડવીર ગણાય ! પણ જીવી આટલું જ જોવા તૈયાર નહોતી : મથુર ચોરી કરે, એ ચોરી પકડાય, પોલીસ એને ઘેર આવે, ઝડતી લે, મધરાતે ઝાલી મુશ્કેટાટ બાંધે, અને મારતા મારતા લઈ જાય ... એ જીવીથી જોયું જાય નહીં.

મથુરનો ભાઈબંધ લખો પટેલ પાછો ગયો, અને વળતા દિવસે પાછો સીમમાં આવી જીવીને એકલીને મળ્યો કહ્યું કે "જીવી ! મથુર ચોરી ના કરવા કબૂલ થાય છે; પછી તો આવીશ ને તું ?"

"ના, ઈમના બાપના ઘરમાં તો નઈં !"

"ચ્યમ વારુ ?"

"એના કાકા વગેરે જાણીતા છે: ચોરી કર્યા વન્યા રે' નઈ ! ચોરિયાટો માલ સંઘરે, ઘેર સિપાઈ આવે, ઈમને એ મારે, બાંધે, ઘર ચૂંથે ... મારાથી એ ન જોવાય."

"ત્યારે ?"

"એ જુદા રહે."

"સારું, જુદો રહેશે."

"ના, એમ ન‌ઇં : એ પાટણવાડિયાના વાસમાંથી જ નેંકરીને કોઈક પાટીદાર અથવા વાણિયા-બામણના પાડોશમાં ઘર લે."

"કબૂલ છે, જીવી ! હું મારી પાડોશમાં જ મથુરને ઘર અલાવું."

"તો અલાવો. હું પરભારી એ નવે ઘેર જ આવું : નહીં તો ના આવું. કે'જો એમને કે બાપના ઘેરથી કશુંય ના લાવે : બધું હું જ લાવીશ."