પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
માણસાઈના દીવા
 

કર્યો છે : ને એણે થોડી થોડી લૂંટો કરતા રહેવું એવી પણ કોઈક સત્તાવાળાઓ સાથે અંદરખાનેથી સમજણ છે કારણ કે એવું જો એ ન કરે તો બાબર ચેતી જાય : અલિયો પોલીસને મળી ગયેલ છે એવી રંચ પણ શંકા બાબરને ન પડવી જોઈએ : આવી આવી વાતોએ વેગ પકડ્યો.

એક દિવસની અસૂરી વેળાએ કણજટ ગામમાં એક રાજસ્થાની અમલદાર છૂપા વેશે દાખલ થયા, એક પાટણવાડિયાને ઘેર જઈ પહોંચ્યા, અને કાનમાં ફૂંક મારી : "બાબર મોતી, ઝટ પહોંચી જા તારા બનેવી કને; ચેતવી દે : એને જિલ્લામાં પકડાવવાની તૈયારી છે.”

“કોણ પકડાવશે ?”

“અલિયો.”

“સારું !” કહીને બાબર મોતી રાતોરાત ઊપડી ગયો.

અને રાજસ્થાની અધિકારી ઊંડો સંતોષ લઈને ગામ બહાર નીકળી ગયા. સંતોષ એ કે બાબરિયાને ઝાલવાનો જશ હવે જિલ્લાવાળાને મળી રહ્યો !

મતલબ કે - પ્રજાને ત્રાહિ પોકરાવી રહેલ ડાકુને કોઈએ પણ ઝટ પકડી લેવાનો નહીં, પણ બાબરને પકડવાનું માન પહેલો કોણ ખાટી જાય એવી સ્પર્ધાનો હવે આ પ્રશ્ન હતો.

લૂંટો કરતો, નવી બંદૂકો ફેરવતો અને નવા ચાર સાથીદારોથી રક્ષણ પામતો અલિયો પણ તે પછી એક રાતે કણજટમાં એ જ બાબર મોતીને ઘેર પહોંચ્યો. ઘેર એ નહોતો. એની વહુ હતી. અલિયાએ પૂછ્યું : "હેં ભાભી, ભગત હવડાં ક્યાં છે ?”

“એ તો કશી ખબર્ય નહીં, ભઈ ! હવડાં તો કશાય સમાચાર નથી.”

સ્ત્રીએ એવી તો સિફતથી કહ્યું કે અલિયાને કશો વહેમ આવ્યો નહીં. અલિયો બાબરની ગંધ બીજે ક્યાંકથી લેવા નીકળી પડ્યો.