પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજ


ધારાળા, પઢિયાર, બારૈયા કે પાટણવાડિયાના નામથી ઓળખાતી કોમ વિષેનું મારું આકર્ષણ જૂનું છે. ગુજરાતની લોકસંખ્યામાં ભિન્ન ભિન્ન કોમોનું પ્રમાણ કેટલું છે એનો અભ્યાસ કરતાં, અને એમાં શ્રમજીવી કેટલાંક છે તેમ જ બેઠાડુ કે ઉજળિયાત કેટલાં છે તેનું પ્રમાણ શોધતાં 'અઢાર અને એંસી'વાળો લેખ મેં લખ્યો હતો. અસહકારની લડત દરમિયાન જ્યારે બોરસદ તરફ હું ફરતો હતો ત્યારે એક વાર એ કોમની એક 'પરિષદ'માં હાજર રહેવાનું સદ્‍ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. કેટલાક પાટીદાર પટેલોએ જ્યારે પટલાઈ છોડી ત્યારે બારૈયા કોમના લોકોએ એ લીધી હતી. અને એને અંગે કંઈક ઝઘડાઓ પેદા થયા હતા. એક-બે ખૂન પણ થયાં હતાં, એમ મેં જાણ્યું હતું. તેથી એ કોમની નક્કર સેવા કરવી જ જોઈએ એમ નક્કી કરી મેં ગુજરાત વિદ્યાપીઠ વતી બોચાસણમાં એક વિદ્યાલય ખોલ્યું. પ્રથમ એનું નામ 'બારૈયા વિદ્યાલય' રાખવાનો વિચાર કરેલો પણ તેમ કરતાં તેમાં કોમી તત્ત્વો દાખલ થશે, અને આગળ જતાં એ આપણને નડશે, એમ મને લાગવાથી મેં વિચારપૂર્વક એ વિદ્યાલયનું નામ 'વલ્લભ વિદ્યાલય' રાખ્યું.

સન ૧૯૨૩માં જ્યારે પહેલી વાર હું જેલ ગયો ત્યારે ત્યાં કોંગ્રેસના એક કાર્યકર્તા શ્રી શામળભાઈ પટેલનો પરિચય થયો હતો. એમની પાસેથી ખેડા જિલ્લામાં પાટીદારોના અને બારૈયા લોકોના જીવન અને સંબંધ વિષે મેં ઘણું સાંભળ્યું હતું. 'ના-કર'ની લડતમાં શામળભાઈને જ મેં ખેડા જિલ્લામાં કામ કરવા મોકલ્યા હતા. એમની સાથે ચિ. બાળ કાલેલકરને પણ એ જ

[૧૮]