પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
માણસાઈના દીવા
 

પકડી આપવાં : એવો કરાર લોકો સાથે કરીને જે કાળમાં પોતે આંહીં કામ કરવા બેઠા એ કાળની વાત છે. કણભાના લવાણાના ઘીના બે ડબા ચોરાયા : મહારાજે અહીં બેસી મૂંગું તપ માંડ્યું : ખાવું ન ભાવ્યું : ત્રણ દિવસ નિર્જળી લાંઘણો ખેંચી : ગામનો મુસ્લિમ ખેડુ દાજી ગામલોકોને કહે કે, 'કોઈએ ખાવા જવું નહીં.' રાતે સૌ સૂતાં પછી ચોર ગોકળ પોતે જ છાનોમાનો મહારાજના પગનો અંગૂઠો હલાવી પોતાની પાછળ પાછળ અંધકારમાં ખેતરોમાં લઈ ગયો : એક ઠેકાણે જઈ ડબો વગાડ્યો : મહારાજ એ ભર્યા ડબા જાતે ઊંચકી રાતે લવાણાની પાસે લઈ ગયા : એક તો ઘીનો, પણ બીજો તેલનો નીકળી પડ્યો !

વળતે દિવસે પણ લાંઘણ ચાલુ : સાંજે ગોકળે મહારાજને ઘેર બોલાવી ચોરી કબૂલ કરી : ફોજદારને રુશ્‍વતના રૂ. ૪૦ આપવા માટે એક ડબો વેચ્યાનું કબૂલ્યું : પોતાની ભેંસના ઘીમાંથી નુકસાની ચૂકવવા સ્વીકાર્યું : અને પછી મહારાજને ઉપવાસ ભંગાવવા માટે અધશેર ખજૂર જોઈતો હતો તે આપનાર આ જ લવાણાએ એની કિંમતના બે આના પણ માગવાની નફટાઈ કરી !


૨. દાજી મુસલમાન

એવા એ લાક્ષણિક પ્રસંગની લીલાભૂમિ કણભામાં મારે એ ત્રણેયને નિહાળવા હતા : 'થતાં સું થઈ ગયું; પણ તમે આટલે સુધી જશો એવું ન'તું જાણ્યું, મહારાજ !' એમ કહીને ચોરી કબૂલનાર ગોકળને; ૫૦–૬૦ રૂપિયાનો પોતાનો માલ પાછો મળ્યા પછી ખજૂરના બે આના મોંએ ચડીને સૌની વચ્ચે માગતાં ન ખચકાનાર લવાણાને; અને એને ફિટકાર દેનાર મુસલમાન ખેડુ દાજીને. પહેલા બે તો પ્રભુને ઘેર ગયા છે. થોભિયાવાળા બુઢ્ઢા દાજીને, હાથમાં હુક્કા સહિત, જ્યાં મહારાજે ઉપવાસો કરેલા તે જ મંદિરે હરખભેર આવીને મહારાજના પગોમાં હાથ નાખતો ઓછો ઓછો થઈ જતો જોયો.

ગામ જુએ, માણસોને ભાળે, સ્થળો દેખે, ત્યારે મહારાજને