પૃષ્ઠ:Mansaina Diva.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માણસાઈના દીવા
 

સ્ત્રીને અને નવ મહિના જેણે ભાર વેઠ્યો તે માને તમે ડાકુઓને હાથે પિટાતી મૂકીને નાસી છૂટ્યા–બેજોટાળી બંદૂક રાખતા હોવા છતાં !" એમ કહીને આ લોકોને બહારવટિયાનો મરણાંત સુધીનો સામનો કરવા પડકાર્યાં હતા.

એટલે આજે જો હું પોતે જ પાછો ફરું તો ! તો લોકો શું કહેશે ! એ પાટીદાર શું કહેશે ! બારડોલીની બે મહિના પછી આવનારી લડતની વાતો કોણ સમજશે !

એ ઝપાટાબંધ આવેલ બે વિચારોનો નિકાલ પણ એકસપાટે આણી મૂકી એણે કહ્યું : "પૂંજા, તું છો ના આવે; પણ મને બતાવ : ક્યાં છે એ લોકો ?"

ઘડીભરની ચૂપકીદી. પૂંજાના કોઠામાં એક મોટો નિ:શ્વાસ પડ્યો, તે મુસાફરને સંભળાયો. અને પછી પૂંજો ફક્ત એટલું જ બોલી શક્યો :

"ત્યારે શું તમે નક્કી ત્યાં જવાના ! "

"હા, પૂંજા; કહે મને—ક્યાં છે એ લોકો ?"

"જુઓ, આ બાજુના જ ખેતરામાં પડ્યા છે." પૂંજાએ ઉગમણી દિશાએ ઊંચી જમીન પરનું ખેતર ચીંધાડીને લાચાર અવાજે ઉમેર્યું : "પણ જોજો હો, બાપજી ! – આ મેં તમને કહ્યાની વાત કોઈકને કહેશો નહિ. નહિ તો બહારવટિયા જાણશે તો એવા એ મને પીંજી નાખશે; ને પોલીસ જાણશે તો એવા એ અમારું લોહી પીશે."

"વારુ; જા તું – તારે."

અંધારામાં પૂંજો જાણે કે ઓગળી ગયો, અને મુસાફર એ કેડાની ઊંડી નાળ્યમાં આગળ વધ્યો. થોડે છેટે જતાં એણે નાળ્યને કાંઠે એક ખેતરમાં ઝાંપલી દીઠી. પોતે ઉપર ચડ્યા. ઝાંપલી પાસે પહોંચતાં જ ઝાંપલીની પાછળથી એક આદમી ઊભો થયો. પડછંદ આદમી હતો. હાથમાં બંદૂક પકડી ચૂપચાપ ઊભો થયો. તારોડિયાને અજવાળે સ્પષ્ટ વરતાયો. માનવી જ્યારે મૂંગો રહે છે ત્યારે વધુ ભયાનક બને છે.

ખડ-ખડ-ખડ-ખડ-ખડ : મુસાફર આ બંદૂકીઆને જોતાંની